રવિવારે અમદાવાદ શહેરમાં વધારે એક આગનો બનાવ બન્યો છે. શહેરના ખોખરા સર્કલ નજીક આવેલા પ્રસિદ્ધ રાયપુર ભજિયા હાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા ત્યાં અંધાધૂંધનો માહોલ સર્જાયો છે. રાયપુર ભજિયા હાઉસમાં લાગેલી આ આગ આસપાસની દુકાનોમાં પણ પ્રસરી હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરુ કરાયા હતા.આગ લાગયા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેનો પ્રચંડ અવાજ આવતા આસપાસના લોકો ગભરાઇ ગયા હતા. સિલિન્ડર બ્લાસ્ટના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છેે. જે અત્યારે સોશિયલ મીડયામા વાયરલ થઇ રહ્યા છે. આ સિવાય એવી પણ માહિતિ મળી રહી છે કે આગ લાગી તે સમયે ત્યાંથી પસાર થતી ગેસ લાઇન પણ લિકેજ તઇ હતી. જેથી તેને તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ સામે આવ્યું નથી. ઉલ્લખનીય છે કે રવિવારનો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જો કે આગના કારણે કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી. આવી સ્થિતિમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. આગની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરુ છે. આ તરફ ઘટાનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. આગનો બનાવ બનતા મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા. આ સિવાય ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.