સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરત શહેરના ડભોલી વિસ્તારની એક ઇમારતમાં આગ લાગી છે. પ્રાથમિક માહિતિ પ્રમાણે સિંગણપોર-ડભોલી વિસ્તારમાં આવેલી ઇમારતમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ બીજી માળ પર આવેલી લાઇબ્રેરી સુધી પહોંચી હતી. આગમાં 20 જેટલા બાળકો ફસાયા હોવાની વાત સામે આવી છે. જો કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.લાયબ્રેરીમાં આગ લાગીમળતી માહિતિ પ્રમાણે સુરતમાં સિંગણપોર ચાર રસ્તા,કોઝવે રોડ ઉપર આવેલી ઇમારતમાં બીજા માળે લાઇબ્રેરીમાં આગ લાગી હતી. જ્યારે આગ ફાટી નિકળી ત્યારે અંદર 20 જેટલા વિદ્યાર્થીઓ હતા, જે વાંચતા હતા. જેથી ફરી એક વખત સુરતવાસીઓના મનમાં તક્ષશીલા આગની ઘટના તાજી થઇ હતી અને ડર પણ લાગ્યો હતો. જો કે સમયસર ફાયર બ્રિગેડની ટીમે આવીને અંદર ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઉપરાંત આગ પર કાબૂ પણ મેળવી લીધો છે.હાઇડ્રોલિક સિડીની મદદ વડે રેસ્ક્યુ કરાયુઆગ લાગવાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એક તરફ અંદર ફસાયેલા બાળકો બૂમાબૂમ કરતા હતા તો બીજી તરફ આગ અને ધૂમાડા જોઇને લોકોનું ટોળુ એકઠું થયું હતું. જો કે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા તે ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક સિડીની મદદ લઇને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આગની જાણ થતા તો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.