વિદ્યાનું ધામ એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા થોડા સમયથી વિવાદનું ધામ બની છે. જ્યાં એક બાદ એક વિવાદો થતા જ રહે છે. માંડ એક વિવાદ શાંત થયો હોય ત્યાં નવું કંઇક સામે આવે છે. તેવામાં ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી એક ઘટનાના કારણે ચર્ચામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરિશ ભીમાણીના નામથી યુનિ.ની મહિલા પ્રોફેસર સહિતના અન્ય લોકોને પણ એક ઇમેલ મળ્યો છે. આ ઇમેઇલમાં જે લખેલું છે તે વિવાદાસ્પદ હોવાનું સામે આવ્યું છે.ગિરિશ ભીમાણીના નામથી જે મેઇલ કરવામાં આવ્યો છે, તેમાં લખેલું છે કે Are You Available? (આર યુ અવેલેબલ). આવા લખાણવાળો મેઇલ મળતાની સાથે જ ખાસ કરીને મહિલા પ્રોફેસરો ચોંકી ઉઠી હતી. આ સિવાય જેમને આ વાતની જાણ થઇ તે તમામ લોકો રોષે પણ ભરાયા હતા. જો કે જ્યારે આ અંગે ખુલાસો થયો ત્યારે ગુસ્સો શાંત થયો હતો. આ મેઇલ અંગે ડોય ગિરિશ ભીમાણીને પૂછતા તેમણે આ પ્રકારનો કોઇ મેઇલ કર્યો નથી તેવું જણાવ્યું હતું. એટલે એવું બહાર આવ્યો છે કે તેમના નામ પર કોઇ અન્ય વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કારસ્તાન કરવામાં આવ્યું છે.સમગ્ર મામલે કોઈ ટીખળખોરો દ્વારા ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીનું ફેક આઈડી બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ જેટલા પણ મહિલા પ્રોફેસરો સહિતનાઓ જે આઇડી પરથી મેઇલ મળ્યો હતો, તે મેઇલ આઈડીને બ્લોક કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક ઇન્ચાર્જ અને કાયમી કુલપતિના ફેક મેઇલ આઇડી બની ચૂક્યા છે. જોકે અત્યાર સુધીમાં આ પ્રકારના મામલે એક પણ ફરિયાદ નોંધાઇ નથી.