જૂનાગઢવાસીઓ માટે આજના દિવસનો સૂરજ કષ્ટદાયક ઊગ્યો હતો. આજે જૂનાગઢની ધરા પર વસવાટ કરતાં સંત કાશ્મીરી બાપુ જૂનાગઢને નોધારું મૂકી બ્રહ્મલીન થઈ ગયા. સામાન્ય રીતે જ માણસના જીવનમાં ગુરૂનું સ્થાન સૌથી ઉપર હોય છે. કાશ્મીરી બાપુનાં નિધનથી ગિરનારનાં સાધુ-સંતોની સાથે જૂનાગઢનાં કણ-કણમાં દુઃખનું મોજું ફરી વળ્યું. સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુ 97 વર્ષની વયે નિર્વાણ પામ્યા. કહેવાય છે કે પાછલાં ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. અને તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જીવન અને મરણની જંગ લડતાં-લડતાં આજે બાપુના શ્વાસે જ બાપુને વિશ્વાસઘાત આપી દીધો, અને હમેશા માટે બાપુનું પ્રાણ-પંખેરૂ ઊડી ગયું. આમ, અચાનક બાપુના પ્રયાણથી સાધુ-સંતો અને ભાવિકો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા. બાપુનાં દેહવિલય બાદ તેમનાં પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે બાપુના પાર્થિવદેહને સમાધિ આપવામાં આવશે.બાપુની જીવનયાત્રામાં ડોકિયું કરીએ તો તેમણે પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત્તાત્ર્યેય ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું. તેઓ ભગવાન શિવનાં ઉપાસક હતા. જૂનાગઢના આ સંતના દર્શન કરવા માટે ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ દેશ-વિદેશનાં લોકો અહીં આવતા હતા. જે કોઈ પણ લોકો તેમના દર્શન કરવા માટે આવતા હતા તે બાપુના સાનિધ્યમાં આવી બાપુનાં દર્શન કરી ધન્યતા અનુભવતા હતા.બાપુના ચહેરાનું તેજ જોઈને દરેક વ્યક્તિ મંત્ર-મુગ્ધ થઇ જતાં હોય છે. અને જૂનાગઢના મોટાભાગના લોકો નિયમિત રીતે તેમના આશ્રમમાં જતા હતા. તેમનો આશ્રમ જૂનાગઢ જિલ્લામાં જંગલની વચ્ચે આવેલો છે. અહીં તમે દિવસમાં ગમે તે સમયે જાઓ તમને અહીં ભોજન પ્રાપ્ત થશે. અહીં બાપુના આશ્રમમાં હજારો ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે. અને તે પણ એક પણ રૂપિયાનું દાન લીધા વગર. બાપુના આશ્રમમાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.બાપુના આશ્રમમાં આવીને ભક્તો પરમ શાંતિની અનુભૂતિ કરે છે. અને દુનિયાના ઘોંઘાટમાંથી મુક્તિ મેળવી સાચા સંતના દર્શન કરી સાચું શિવત્વ, સાચું ગુરુત્વ પ્રાપ્ત કરે છે. અહીં આવનાર માણસ જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ ભૂલી બાપુના સાનિધ્યમાં લીન થઈ જતાં હતા.જૂનાગઢની ભૂમિને સંતોની ભૂમિ તરીકે જોવામાં આવે છે. કારણ કે જૂનાગઢને સંતનું પિયર કહેવામાં આવે છે. અને દરેક સંતને જૂનાગઢમાં શિવરાત્રી નિમિત્તે યોજાતો ભવનાથનાં શિવ-મેળાનો અનેરો ઉત્સાહ હોય છે.ભક્તો પર હંમેશા પોતાની અમિદ્રષ્ટિ વરસાવતા સંત કાશ્મીરી બાપુ સદૈવનાં માટે શાંત થઈ ગયા, બાપુની ચિર વિદાયથી ભક્તોનાં હૃદયનાં તાર ઝણઝણી ઉઠ્યા, હવે બાપુ ક્યારેય નહીં જોવા મળે એ કપરાં સત્યને સ્વીકારી બાપુના અંતિમ-દર્શન માટે જૂનાગઢમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ભલે બાપુનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હોય, પણ ભાવિકોની આસ્થા અને શ્રદ્ધામાં બાપુ સદાકાળ સુધી ધબકતા રહેશે.