વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આજે આખો દિવસ વિવિધ કાર્યક્રમો વચ્ચે વ્યસ્ત રહેલા વડાપ્રધાન રાત્રે અચાનક માતા હીરાબા અને પરિવારને મળવા માટે પહોંચ્યા છે. જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે, ત્યારે આ રીતે જ અચાનક માતા હીરાબાને મળવા માટે જાય છે. ત્યારે આ વખતે પણ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને માતા અને પરિવારને મળવા માટે રાયસણ પહોંચ્યા હતા. રાયસણમાં નરેન્દ્ર મોદીના નાના ભાઇ પકંજ મોદીનું ઘર આવેલું છે.જ્યારે વડાપ્રધાન માતાને મળવા પહોંચ્યા ત્યારે એક વડાપ્રધાન તરીકે નહીં પણ એક દીકરા તરીકે પહોંચ્યા હતા. તેઓ જ્યારે ગાંધીનગર સ્થિત પોતાના નાના ભાઇના ઘરે પહોંચ્યા ત્યારે તેેમની સાથે બે ત્રણ ગાડીઓનો જ કાફલો હતો. એટલે કે તમામ તામ જામ છોડીને તેઓ માતાને મળવા પહોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમનાથ ટ્રસ્ટની બેઠક પુરી થયા બાદ વડાપ્રધાન માતાને મળવા પહોંચ્યા હતા.માતાને મળવા પહોંચેલા વડાપ્રધાને માતાના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ મેળવ્યા હતા. તેમણે માતા સાથે રાત્રી ભોજન લીધું હતું. નરેન્દ્ર મોદીએ માતા હીરાબા સાથે ખિચડીનો સ્વાદ માણ્યો હતો. આ સિવાય પોતાના ભાઇઓ અને પરિવારને પણ તેઓ મળ્યા હતા.વડાપ્નધાન નાના ભાઇના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં આસપાસ રહેતા લોકોની ભીડ જામી હતી. નાના બાળકોથી લઇને વડીલો સુધીના લોકો નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે એકઠા થયા હતા. સ્થાનિક લોકોએ વડાપ્રધાનના નામના નારા પણ લગાવ્યા હતા.