અદાણી ગ્રૂપ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ હવે ખાનગી ફ્લાઈટ્સ અને નોન-શિડ્યુલ્ડ ઓપરેટર્સ (NSOP)ના મુસાફરોને આવકારવા માટે સામાન્ય ઉડ્ડયન ટર્મિનલથી સજ્જ છે. અમદાવાદ એરપોર્ટ ખાતેનું આ ટર્મિનલ વિશાળ આધુનિક પેસેન્જર લોન્જ, ડ્યુટી ફ્રી, 24 કલાક અંગત સુરક્ષા સેવાઓ, ટર્મિનલથી પ્રાઈવેટ જેટ તરફ તાત્કાલિક પહોંચવાની સરળ સુવિધા, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સાથે કોમન પ્રોસેસિંગ એરીયા જેવી સેવાઓ આવરી લેવામાં આવી છે.તદુપરાંત અહીં કંટ્રોલ સિસ્ટમના એક્સેસ, વાઇ-ફાઇની સેવાઓ, તેમજ તમામ મુસાફરોને સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તે હેતુથી સમગ્ર અમદાવાદ એરપોર્ટના તમામ પ્લેટફોર્મને સાંકળી લેતી આઇટી સિસ્ટમ, ઝીણામાં ઝીણી સિક્યોરિટી કંટ્રોલ સિસ્ટમની સુવિધાઓથી એરપોર્ટને સજ્જ કરવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટ પર 4 હજાર 500 ચો.ફૂટના ટર્મિનલ બિલ્ડીંગ સાથેના 12 હજાર ચો.ફૂટમાં પથરાયેલા વિસ્તારની સમગ્ર ડિઝાઇન ખુબ જ આકર્ષક બનાવવામાં આવી છે. જેમાં GA (જનરલ એવિએશન ) જનરલ એવિએશનના ટર્મિનલમાં જવા માટે પ્રવેશદ્વારની સુવિધા કરવામાં આવી છે. 24 કલાક કાર્યરત ઓપરેશન કંટ્રોલ સેન્ટર એરપોર્ટના સંચાલનની ખાસ વિશેષતા છે. મહાનુભાવોના સ્વાગત સહિત 24 કલાક તાલીમબદ્ધ કર્મચારીઓની ટીમ અહી ખડેપગે રહે છે. બિઝનેસ માટે આવતા પ્રવાસીઓ માટે ઓફિસ અને કોન્ફરન્સની સુવિધા ઉભી કરવામાં આવી છે.વર્તમાન કોવિડ કાળમાં પ્રવાસીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કોવિડના પ્રોટોકોલના અમલ માટે ટેમ્પરેચર તપાસવા થર્મલ સ્કેનર સહિતના આધુનિક સાધનો તેમજ એક સાથે 10 સેમ્પલ લેવા માટેની લેબોરેટરી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. વેઈટિંગ એરિયામાં વોશરુમ સહિતની સુવિધા પણ કરવામાં આવી છે. તો ભારતીય કલા કારીગરીનો પરિચય કરાવવા માટે આકર્ષક આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ટર્મિનલમાં પેસેન્જરો પોતાને જરૂરી તમામ સેવાઓ સહેલાઈથી મેળવે છે. આ સુવિધાઓ દ્વારા સંચાલનની પ્રક્રિયા ઝડપી અને કાર્યક્ષમ બને છે. આવા સુચારું આંતર માળખાના મજબૂત ટેકાથી આવનારા દિવસોમાં ઉડ્ડયન ઉદ્યોગ સમૃદ્ધ થશે અને ભારતીય અર્થ વ્યવસ્થાને વેગ મળશે.