ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયા બાદ એરપોર્ટથી કમલમ્ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં હાજર 4 લાખથી વધુ લોકોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજયોના પરિણામ ગુરુવારે જાહેર થયા બાદ ચાર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયા પછી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાને પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. શણગારેલી ખુલ્લી જીપમાં યોજાયો રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતનની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. શુક્રવારે સવારે 10.45 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા જયાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારબાદ ખુલ્લી જીપમાં એરપોર્ટની બહાર નિકળ્યા હતા, જયાં રોડની બંને સાઇડ પર ઉભા રહેલા હજારો કાર્યકરોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને એરપોર્ટથી રોડ શોનો પ્રારંભ કર્યો હતો. ખુલ્લી જીપમાં બેઠેલા વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ખુલ્લી જીપમા જોડાયા હતા.રોડ શોમાં 4 લાખથી વધુ લોકો હાજર ફુલોથી શણગારેલી જીપમાં વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો. એરપોર્ટથી કમલમ્ કોબા સુધી યોજાયેલા રોડ શોમાં અંદાજે 4 લાખ લોકો હાજર રહ્યા હતા. અભૂતપુર્વ જન મેદની વચ્ચે યોજાયેલા રોડ શોમાં લોકો ફુગ્ગા અને બેનરો સાથે હાજર રહ્યા હતા.વડાપ્રધાનનો રોડ શો જેમ જેમ રુટ પર આગળ વધી રહ્યો હતો તેમ તેમ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર રાજયમાંથી રોડ શોમાં ભાગ લેવા માટે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સમગ્ર રોડ શો માટે ભાજપ દ્વારા ખાસ તૈયારીઓ કરાઇ હતી અને રોડ શોના રુટને કેસરી ફુગ્ગાઓથી શણગારવામાં આવી હતી. ઉનાળાનો પ્રારંભ થઇ ગયો હોવાથી ગરમી વચ્ચે પણ કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.