દ્વારકામાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબીરમાં આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષના ગુજરાતના નેતાઓને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, AC ઓફિસમાં બેસીને કામ કરનારા નેતાઓને પક્ષમાંથી સાઇડ લાઇન કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બંધ બારણે બેઠક કરી. રાહુલે કહ્યું, જો સુધરશે નહી તો પેકેજ બનાવી ભાજપમાં ધક્કો મારીશુંતેમણે કહ્યું હતું કે ગુજરાતના કોંગ્રેસના અમુક નેતાઓ એસી ઓફિસમાં બેસી કામ કરી રહ્યા છે, અને તેવા તમામ નેતાઓ મારા ધ્યાનમાં છે તથા ટુંક સમયમાં આવા નેતાઓ પાર્ટીમાંથી સાઈડ લાઇન થશે. તેમણે કટાક્ષ કર્યો હતો કે, જેઓ સુધરશે નહીં તેઓનું પેકેજ બનાવી આપણે જ ભાજપમાં ધક્કો મારી દઇશું.દ્વારકામાં ચિંતન શિબીરમાં પહોંચ્યા દ્વારકામાં રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરી આહીર સમાજ વાડીમાં યોજાયેલા ત્રણ દિવસના કોંગ્રેસના ચિંતન શિબીરમાં હાજરી આપવા પહોંચ્યા હતા. વિશાળ વાહનોના કાફલા સાથે દ્વારકા પહોંચેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ચિંતન શિબીરમાં હાજર 600 જેટલા અગ્રણીઓ અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા આગેવાનો મેરામણ ગોરીયા,અર્જુન મોઢવાડીયા તથા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સરકાર પર પ્રહાર કર્યા ચિંતન શિબીરને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર અને રાજય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ લોકો બીજેપીથી ત્રસ્ત છે.કોરોનાના સમયગાળામાં ભાજપની લાપરવાહીના કારણે 3 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. બીજી તરફ જીએસટીથી વેપારીઓ પણ ત્રસ્ત થઇ ચુકયા છે. રાહુલ ગાંધીએ મિડીયા પર પણ કટાક્ષ કરતાં કહ્યું હતું કે તમામ મિડીયા ભાજપ તરફી છે અને કોંગ્રેસનું ખરાબ બતાવે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇ, ઇડી અને તમામ મિડીયા સત્તા પક્ષના ઇશારે કામ કરે છે. તેમણે સરકારની કામગિરી પર નિશાન તાકયુ હતું.