શિયાળાની ઋતુ હવે પૂર્ણ અને ઉનાળો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે હવે ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સીઝનના તાપમાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સવાર પડતાની સાથે જ તડકાની તીવ્રતા ધીમે ધીમે વધી રહી છે. સાથે જ બપોરના સમયે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે અત્યારે રાત્રી અને સવારના સમયે થોડી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશનું અનુમાન છે. આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. એક આગાહી મુજબ હોળી દરમિયાન લોકો દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ કરી શકે છે. રાત્રે પણ ગરમી તીવ્ર બની શકે છે. દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેટલુ જ નહીં ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ત્રણેય રાજ્યો માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 થી 10 માર્ચ સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં હવામાન બગડવાની સંભાવના છે. વળી, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેની આસપાસના મરાઠવાડાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ મૂશળધાર વરસાદ થઈ શકે છે. તેમજ આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ બે દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદની આશંકા છે.