અમદાવાદનાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના સામે આવી છે. જેમાં સગીરાનાં કાકાની સાથે ઘરમાં આવતા મિત્રની સગીરાને જોઈને દાનત બગડી હતી. જે બાદ આરોપીએ સગીરાને પોતાની સાથે વાત નહિં કરે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. અને એકલતાનો લાભ લઈને ઘરમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરી આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેને લઇ સગીરા ડરી જતા કોઈને જાણ કરી ન હતી. આ મામલે સગીરાનાં કાકાના મિત્ર સાગર પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે રાગ્નેશ ધાનાણી નામનાં યુવક સાથે મિત્રતા થઈ હતી. જે યુવકે સગીરા સાથે મિત્રતા કરીને મળવા બોલાવી હતી. અને કૃષ્ણનગરથી કારમાં બેસાડી રિંગ રોડ પાસેની એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરા સતત ડિપ્રેશનમાં રહેતી હતી. અંતે સગીરાના કાકીએ તેનાં ફોનમાં આરોપીઓ અને સગીરાનાં મેસેજ જોયા હતા. જેથી આ અંગે સગીરાને ફોસલાવીને પુછપરછ કરતા તેણે પોતાની આપવીતિ જણાવી હતી. જેમાં બન્ને આરોપીઓએ સગીરાને ધમકી આપીને દુષ્કર્મ આચર્યુ હોવાનુ ખુલતા આ મામલે કૃષ્ણનગરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસે આ મામલે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. આ મામલે સગીરાનાં કાકાનો મિત્ર સાગર પટેલ, સગીરા સાથે મિત્રતા કરી દુષ્કર્મ આચરનાર રાગ્નેશ ધાનાણી તેમજ તેની સાથેનો મિત્ર ધ્રુવીન ઉર્ફે ડીડી સામે ગુનો નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.