DIU : દીવમાં લાલશાપીરની દરગાહ પરના બાંધકામને તોડી પડાયું, મારુતિ નગરમાં કરફ્યુ જેવો માહોલ
અહેવાલ : ભાવેશ ઠાકર - દીવ
દીવના મારૂતિ નગર ખાતે આવેલ લાલશાપીરની દરગાહ પર બનાવેલ બાંધકામને દીવ પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ઘણા સમયથી લાલશાપીરની દરગાહને લઈ ને ચર્ચાઓ ચાલી રહી હતી. આજે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે લાલશાપીરની દરગાહને તોડી પાડવામા આવી છે.
દરગાહ ઉપર બુલડોઝર ફરતા લોકોની આંખોમાં આંસુ દેખાયા
દીવના મુસ્લિમોના માટે આ મસ્જિદ આસ્થાનું કેન્દ્ર હતું અને સ્થાનિક લોકો પણ લાલશા પીરની દરગાહ પર ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા.આજે આ દરગાહ ઉપર બુલડોઝર ફરતા લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. આ ઘટના બાદ દીવના મુસ્લિમ બિરાદરો એ દુકાનો બંધ રાખી હતી.
દીવના મારુતિ નગર વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ
દરગાહ તોડી પડાયા બાદ શહેરમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવા માટે આજે દીવ ચેક પોસ્ટ પર પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દીવમાં આવતા લોકોની યોગ્ય તપાસ તથા પૂછપરછ બાદ જ તેમને દીવમાં પ્રવેશ આપવામા આવ્યો હતો. દીવના મારુતિ નગર વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો -- મુળ ગોંડલના હેર આર્ટિસ્ટે છેક મુંબઈ જઈને તારક મહેતાની ટીમને આપ્યો નવો લુક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે