Panchmahal: સરસ્વતી સાધના યોજનાની સાયકલોથી વિદ્યાર્થિનીઓ વંચિત શા માટે?
Panchmahal: સરકારી ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સરળતાથી શાળામાં જઇ શકે અને ઘરે પરત આવી શકે તે માટે સરકાર દ્વારા સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મફત સાયકલ સહાય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. પરંતુ પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થિનીઓને જે હજી સુધી ફાળવવામાં આવી નથી. જેના કારણે વિદ્યાર્થીનીઓ ચારથી પાંચ કિલોમીટર કાદવ કીચડમાંથી શાળા જવા અને આવા માટે મજબુર બની છે. જેની અસર વિદ્યાર્થીનીઓના અભ્યાસ પર થઇ રહ્યો છે.
સાયકલો વરસાદમાં પલળી અને કાટ લાગી ગયો
બીજી તરફ પંચમહાલ જિલ્લાની લાભાર્થી વિદ્યાર્થિનીઓને આપવા માટે સાયકલનો મોટા પ્રમાણમાં જથ્થો હાલ જિલ્લામાં કેટલાક સ્થળોએ પહોંચી ગયો છે. જે કેટલાક દિવસોથી વરસાદમાં પલળી કાટ લાગી જવાની સ્થિતિમાં ફેરવાઈ રહી છે. પરંતુ હાલ સુધી જરૂરિયાતમંદ સાચા લાભાર્થી વિદ્યાર્થિનીઓને સાયકલથી વંચિત રાખવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંલગ્ન એજન્સીએ ટેસ્ટીંગ રિપોર્ટ નહીં આપતાં સાયકલો હજી સુધી વિતરણ નહીં કરવામાં આવી હોવાનું બિન સત્તાવાર જાણવા મળ્યું હતું. ત્યારે કોઈપણ ટેક્નિકલ ગુંચ હોય એ દૂર કરી વહેલી તકે સાયકલો કિશોરીઓને આપવામાં આવે એવી વાલીઓમાં અને સામાજિક અગ્રણીઓમાં ઉગ્ર માંગ ઉઠી છે.
આખરે કેમ સાયકલો આપવામાં નથી આવતી?
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓ ઘરેથી સરળતાથી અને સમયમાં શાળા સુધી પહોંચી જાય તે માટે શાળા પ્રવેશઉત્સવ દરમિયાન સરસ્વતી સાધના યોજના હેઠળ મફતમાં સાયકલ આપવામાં આવતી હોય છે. સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થિનિઓને શાળામાં સમયસર પહોંચવા માટે સરળતા રહે એવો શુભ આશય છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ અંદાજીત ત્રણ હજાર ઉપરાંત વિદ્યાર્થિનીઓને સાયકલ ફાળવવા માટે શાળા કક્ષાએથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જે તમામ પ્રોસીઝર હાલ પૂર્ણ થઈ છે અને એજન્સી દ્વારા સાયકલ પણ તૈયાર કરી દેવામાં આવી છે.
હજી સુધી સાયકલની ફાળવણી કેમ નથી કરવામાં આવી?
હવે આને સંલગ્ન વિભાગની બેદરકારી કહો કે, પછી ઉદાસીનતા કહો કે પછી ટેક્નિકલ ગુંચના કારણે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થિનીઓને સાયકલથી વંચિત રહી છે. બીજી તરફ હજી સુધી સાયકલની ફાળવણી કરવામાં આવી નથી. જેથી હાલ આ સાયકલો ચોમાસામાં કાટ ખાઈ રહી હોય એવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. હાલ પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં કાદવ કીચડ અને પાણીમાંથી વિદ્યાર્થિનીઓને શાળામાં જવા મુશ્કેલી પડી રહી છે. કાદવ કીચડમાંથી જતા વિદ્યાર્થિનીઓને ભારે હાલાકી થઈ રહી છે. જેના કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ શાળામાં જઇ શકતી નથી.
જવાબદારો સામે કડક પગલાં લેવા માટે સ્થાનિકોની માંગ
વિદ્યાર્થીનીઓના માતા-પિતાની ઘરની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ જરૂરી સાધન સામગ્રી પુરી પાડી શકતા નથી કે તે માટે તેઓ સક્ષમ નથી. ત્યારે સરસ્વતી સાધના યોજનાની સાયકલો વહેલી તકે વિદ્યાર્થીનીઓને આપવામાં આવે અને આજદિન સુધી ક્યાં કારણોસર સાચા લાભાર્થી વિદ્યાર્થિનીઓને સાયકલ આપવામાં આવી નથી. તેની તપાસ કરવા સહિત જવાબદારો સામે કડક પગલાં લેવા માટે સ્થાનિક અગ્રણીઓ અને કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થિનીઓના વાલી જણાવી રહ્યા છે કે, તેઓ કડિયા કામ કે અન્ય રોજગાર મેળવવા માટે જતા હોય છે. મજૂરી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે. જેના કારને તેઓ વિદ્યાર્થિનીઓને સાયકલ આપી શકતા નથી. વિદ્યાર્થીનીઓ પાસે શાળામાં આવવા માટે કોઈ સાધન ન હોવાથી તેઓ સમયસર શાળામાં આવી શકતી નથી. બીજી તરફ શાળાના આચાર્ય જણાવી રહ્યા છે કે, શાળામાં ગ્રામીણ વિસ્તારમાંથી અને બેથી પાંચ કિલોમીટર દૂરથી ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરવા માટે આવે છે.
ગ્રામીણ વિસ્તારમાં બસ કે અન્ય કોઈ વૈકલ્પિક સુવિધાઓ નહીં હોવાના કારણે વિદ્યાર્થીનીઓને દૂર દૂર થી પગપાળા કરીને આવું પડતું હોય છે. જેના કારણે વિદ્યાર્થિનીઓ સમયસર શાળામાં પોહચી શકતી નથી. સમસર શાળામાં નહીં આવાના કારણે અભ્યાસ પર અસર પડી રહી છે. હાલ વરસાદી વાતાવરણ હોય જેના કારણે દર ચોમાસામાં વિદ્યાર્થિનીઓનું અભ્યાસ બગડતો હોય છે. શાળાઓમાં ચોમાસા દરમિયાન જ પ્રથમ સત્રના અભ્યાસક્રમની શરૂઆત થતી હોય છે, ત્યારે કાદવ કીચડ હોવાથી કેટલાક દિવસો સુધી વિદ્યાર્થીનીઓ શાળાએ જઈ શકતી નથી. જેથી તેઓનું અભ્યાસ કાર્ય બગડતું હોય છે.
આ સાથે પરીક્ષા આવે ત્યારે આ વિદ્યાર્થિનીઓનું પરિણામ સારું આવતું નથી. શાળા દ્વારા પણ અનેક વાર વિદ્યાર્થિનીઓને સાયકલની ફાળવણી કરવા માટે રજીસ્ટર કરવામાં આવ્યું છે. તેમ છતાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીની ઓને સાયકલની ફાળવણી કરવામાં આવી નથી તેવું શાળાના આચાર્ય જણાવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થિનીઓને વહેલી તકે સાયકલની ફાળવણી કરવામાં આવે એવી વાલીઓમાં અને શાળાના શિક્ષકો માંગ કરી રહ્યા છે.
હાલ વિદ્યાર્થીની ઓને આપવા માટે તૈયાર કરાયેલી આ સાયકલો ઉપર પ્રવેશોત્સવ 2023 નું લખાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ હાલ 2024 નો પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ ગયો છે. જે બાબત અનેક સવાલો ઉભા કરી રહી છે. કેટલીક શાળામાં બે વર્ષથી કિશોરીઓને સાયકલ આપવામાં આવી નથી એવું જાણવા મળી રહ્યું છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વાલીઓ મજૂરી કામ માટે જતાં હોય છે. બીજી તરફ વાહન વ્યવસ્થા નહીં હોવાથી કિશોરીઓને દૂર-દૂર સુધી પગપાળા અભ્યાસ માટે જવું પડતું હોવાનો સુર વાલીઓમાં સાંભળવા મળી રહ્યો છે.