“પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના”માં રાજકોટ જિલ્લાનાં પારડી અને ચીખલીયાનો સમાવેશ
રાજકોટ જિલ્લાના પારડી અને ચીખલીયાનો સુયોજિત આયોજન અનુસાર વિકાસ કરીને આ બંનેને આદર્શ ગ્રામ બનાવી શકાય તે માટે જિ. કલેક્ટર પ્રભવ જોશી દ્વારા જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી થયેલા જિલ્લાના રાજકોટ તાલુકાના પારડી ગામની તથા ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામના વિકાસ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બંને ગામોને આદર્શ ગામ બનાવવા રૂ. 40 લાખની રકમ ફાળવવામાં આવી છે.
ગામના રોડ-રસ્તાઓની મરામત, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા તેની સિદ્ધિ મેળવી નવી સ્કીમથી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા કલેકટરે આદેશ કર્યો હતો. ગ્રામજનોને આરોગ્ય અને એજ્યુકેશનને લાગતી શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટેનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કલેક્ટરે કરી હતી.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અંતર્ગત ગુજરાત રાજયના 12 જિલ્લામાં ગામોની કુલ વસ્તીના 40 ટકાથી વધુ અનુ.જાતિની વસતી ધરાવતા નવા કુલ 31 ગામોની વર્ષ 2021થી 2025ના દ્વિતિય તબકકામાં પસંદગી થઈ છે. યોજના અંતર્ગત પસંદ થયેલ ગામોને ગામદીઠ રૂ. 21 લાખની રકમ ફાળવવામાં આવે છે.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર ક્યારે મૂકાશે,હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી