PCPIR Dahej : વધુ સંગીન અને સુદ્રઢ કનેક્ટિવિટી મળશે
- PCPIR Dahej : (Petroleum, Chemicals and Petrochemical Investment Regions (PCPIRs)ને વધુ સંગીન સુદ્રઢ કનેક્ટિવિટી મળશે
- ૪૧.૯૦ કિ.મી. લંબાઈનો માર્ગ રૂ.૧૪૧૨ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણાધિન
- ૩.૪ કિ.મી. લાંબો ૨૯ મિટર પહોળો ૬ લેન એલિવેટેડ કોરીડોર રસ્તાની બેય તરફ ૭ મિટર પહોળાઈના સર્વિસ રોડ
- ૬ લેન એલિવેટેડ કોરિડોર માર્ચ-૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે
- માનુબાર જંક્શનથી દહેજ સુધીના એક્સેસ કંટ્રોલ્ડ એક્સ્પ્રેસ વેમાં ૭ ફ્લાયઓવર – ૧૫ અંડરપાસ – ૧૨ માયનોર બ્રિજ – ૧૦૬ બોક્સ તથા પાઈપ કલવર્ટ
- એકસેસ કંન્ટ્રોલ્ડ એક્સપ્રેસ વે ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા ભરૂચ-દહેજ માર્ગ પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરી
* એલિવેટેડ કોરીડોરથી કોમર્શિયલ ટ્રાફિક શહેરી વિસ્તારથી અલગ થતાં દહેજ જતા વાહનોની ઝડપ વધશે -ઇંધણ બચશે
* ચાર જંક્શન પર ટ્રાફિક ભારણને લીધે થતો સમયનો વ્યય અટકાવી શકાશે.
* એકસેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વેનો લાભ ૧૫ ગામો અને દહેજ વિસ્તારના અંદાજે ૧૫ લાખ લોકોને મળશે - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ની પ્રેરણા અને વિઝનથી ગુજરાતમાં નિર્માણ થયેલા દહેજ PCPIRને આગામી દિવસોમાં વધુ સંગીન અને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળતાં વાહન યાતાયાત સાથે રોકાણકારો માટે ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે.
PCPIR Dahej : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તાજેતરમાં ભરૂચ ની મુલાકાત દરમ્યાન આ હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ-દહેજ રોડ પર હાથ ધરાઈ રહેલા અદ્યતન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
ભરુચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રાવણ જંકશન સુધીનો ૩.૪૦ કિ.મી. લાંબો છ લેન એલિવેટેડ કોરિડોર અંદાજે રૂ.૪૪૦ કરોડના ખર્ચે આકાર પામી રહ્યો છે. આ જ માર્ગ પર માનુબાર જંકશનથી દહેજ સુધી ૩૮.૫૦ કિ.મી.નો એકસેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવે અંદાજે રૂ.૯૭૨ કરોડના ખર્ચે નિર્માણાધિન છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) PCPIR Dahej ના આ સમગ્રતયા ૪૧.૯૦ કિલોમીટરમાં રૂ.૧૪૧૨ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાઈ રહેલા કામોની સમીક્ષા કરીને પ્રગતિની વિગતો મેળવી હતી.
દહેજ-ભરૂચ માર્ગ યાતાયાત માટેનો એક મહત્વપૂર્ણ માર્ગ
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, દહેજ PCPIR દેશના ચાર PCPIR પૈકીનો એક છે અને ૪૫૩ ચો.કિલોમીટરમાં પથરાયેલા આ ઔદ્યોગિક ઝોનમાં કાર્યરત ઉદ્યોગોમાં અવર-જવર કરનારા સ્થાનિકો, અગ્રણી રોકાણકારો, આસપાસના ગ્રામજનોને ભરૂચ સાથે જોડતો દહેજ-ભરૂચ માર્ગ યાતાયાત માટેનો એક મહત્વપૂર્ણ માર્ગ છે.
એટલું જ નહીં, દહેજ PCPIR ઔદ્યોગિક વિસ્તાર તથા દહેજ પોર્ટને અમદાવાદ-મુંબઈ મુખ્ય માર્ગ સાથે જોડતો આ માર્ગ ભારે માત્રામાં વાહનોની અવર-જવરનો ટ્રાફિક પણ ધરાવે છે.
વાહન ચાલકો તથા ભરૂચ-દહેજ વચ્ચે અવર-જવર કરતા ઉદ્યોગ-રોકાણકારો, કામદારોનો સમય આ ભરૂચ-દહેજ માર્ગ પરના ૪ જંકશન પર ટ્રાફિક ભારણને કારણે વ્યય થાય છે.
૬ લેન એલીવેટેડ કોરિડોર તરીકે વિકસાવાની કામગીરી વેગવંતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે આ સમસ્યાના કાયમી નિવારણ માટે ભરૂચ- દહેજ માર્ગ પર ભોલાવ જંકશનથી શ્રાવણ જંકશન સુધીના રોડને ૬ લેન એલીવેટેડ કોરિડોર તરીકે વિકસાવાની કામગીરી વેગવંતી બનાવી છે.
આ ઉપરાંત ભરૂચ-દહેજ રોડ પરના માનુબાર જંકશનથી દહેજ સુધી ૩૮.૫૦ કિ.મી.ના એકસેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વેની કામગીરી પણ પ્રગતિમાં છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌર અને માર્ગ મકાન સચિવ શ્રી પ્રભાત પટેલિયાને સાથે રાખીને આ કામોની સમીક્ષા માટે માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ ઈજનેરો સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બે પ્રોજેક્ટસની વિસ્તૃત વિગતો આપતા સચિવ શ્રી પટેલિયાએ જણાવ્યું કે, PCPIR Dahej ખાતે નિર્માણાધિન એલીવેટેડ કોરીડોર ૨૯ મીટર પહોળાઈ સાથે ૩.૪ કિલોમીટર લંબાઇનો છે. આ રસ્તાની બે તરફ ઓછામાં ઓછા ૭ મીટર પહોળાઈના સર્વિસ રોડ પણ છે.
ભરૂચથી દહેજ જતાં વાહનો ઝડપથી પહોંચી શકશે તેમજ ઈંધણની પણ બચત થશે
મુખ્યમંત્રીશ્રી (CM Bhupendra Patel) સમક્ષ આ અંગે જે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે, એલીવેટેડ કોરિડોરના બાંધકામથી ભરૂચથી દહેજ જતાં અંદાજે ૬૦ હજાર વાહન ટ્રાફિક માંથી કોમર્શિયલ ટ્રાફિક શહેરી વિસ્તારથી અલગ થશે અને ભરૂચથી દહેજ જતાં વાહનો ઝડપથી પહોંચી શકશે તેમજ ઈંધણની પણ બચત થશે.
આ PCPIR Dahej કોરીડોરની ૫૦ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે અને બાકી રહેતું કામ આગામી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાના સંપૂર્ણ આયોજન સાથે કામગીરી થઈ રહી છે.
ભરૂચ-દહેજ રોડ પરના માનુબાર જંકશનથી દહેજ સુધી એક્સેસ કન્ટ્રોલ્ડ એક્સપ્રેસ વેની સમગ્ર કામગીરી ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. તેની પણ વિગતો મુખ્યમંત્રી સમક્ષ આપવામાં આવી હતી.
૩૮.૫૦ કિલોમીટર લાંબા આ ૪ લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વેમાં ૭ ફ્લાવર અને ૧૫ અંડર પાસનો સમાવેશ થાય છે આ આ રસ્તાથી ભરુચ તથા દહેજના ૧૫ જેટલા ગામો અને દહેજ ઉદ્યોગ વિસ્તારના અંદાજે ૧૬ લાખ જેટલા લોકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટ મળતું થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર કામગીરીમાં ગુણવત્તા અને સમયબદ્ધતા જળવાઈ રહે તે માટેના દિશા નિર્દેશો સમીક્ષા દરમ્યાન આપ્યા હતા.
PCPIR Dahej ખાતે આ સમીક્ષા બેઠકમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ પૂરક માહિતી સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: VADODARA : વિતેલા 4 મહિનામાં 8 મગરોના મોતથી ચિંતા