PMJAY-MA : ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સરકારની લાલ આંખ
- PMJAY-MA: “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી
- હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
- કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
- આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીજર-Cardiac Procedure માં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ અને ડો.પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ કરાયા
PMJAY-MA : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા(Praful Pansheriya)ના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા”PMJAY-MA યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે.
આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.
PMJAY-MA-જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી
આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની JCC Heart Institute ના ડો.પાર્શ્વ વ્હોરા (G-28538) દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને ૧ કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ૨૬૨ કેસની વધુ તપાસ કરાવતા ૫૩ કેસમાં વિસંગતા જોવા મળી હતી. જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં, આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં રાજ્યની બે ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી. આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાય ના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો:Gujarat ATS ની મોટી કાર્યવાહી : ISKP આતંકીઓની ધરપકડ, ડૉ. સૈયદના ઘરેથી જપ્ત કર્યું રેઈઝિન ઝેર