Ahmedabad માં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે Pramukhvarni Amrut Mahotsav, જાણો વિગતવાર માહિતી
- BAPS સંસ્થાના ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ( Pramukh Varni Amrit Mahotsav) ચરમસીમા રૂપ મુખ્ય સમારોહની ઉજવણી
- અમદાવાદમાં (Ahmedabad) રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન
- વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને અપાશે ભાવાંજલિ
- અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતાં અનેક અલંકૃત ફ્લોટસ તરતાં મુકાશે
- બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેશે ઉપસ્થિત
- ગૃહમંત્રીઅમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત
બી.એ.પી.એસ.ના (BAPS) સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે (Brahmaswaroop Shastriji Maharaj) વિક્રમ સંવત2006 (મે 21, 1950) ના જેઠ સુદ 4 ના દિવસે, રવિવારે, અમદાવાદના (Ahmedabad) શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા નાના એવા મંદિરમાં સાંજે 5 વાગ્યે - પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં - બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે - નિયુક્ત કર્યા હતા.
‘પ્રમુખસ્વામી મહારાજ’ કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામી મહારાજ’ના વહાલસોયા નામથી કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા.
પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞા
આ દિવસે, શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીએ(પ્રમુખસ્વામી મહારાજે) વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી:“મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ.”આ પ્રતિજ્ઞા મુજબ તેઓ જીવનભર દેહની પરવાહ કર્યા વિના સેવામય રહ્યા હતા અને હજારો લોકસેવાના અભિયાનો કરી અનેક પ્રદાનો આપ્યાં હતાં.
મહાપ્રાસાદિક સ્થાન - આંબલીવાળી પોળ (યજ્ઞપુરુષ પોળ)
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વવ્યાપી આધ્યાત્મિક-સામાજિક સંગઠન તરીકે ઊભરી રહી છે. આ સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્વના નિર્ણયો લેવાયા છે, એવું મહાપ્રાસાદિક સ્થાન એટલે આંબલીવાળી પોળ – યજ્ઞપુરુષ પોળ.
પ્રમુખસ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા અપાઈ હતી
1938 માં બી.એ.પી.એસ.ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના અદ્વિતીય ગુજરાતી સામાયિક ‘સ્વામિનારાયણ પ્રકાશ’ નો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં 1939 માં પ્રમુખસ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતી.
પ્રમુખસ્વામી મહારાજને 20 વર્ષની ઉંમરે સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા
અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર 1940 માં આંબલીવાળી પોળમાં કરવામાં આવ્યું હતું.બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1942 માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત,1949 માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને અહીં રહીને પુનઃ સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આ જ આંબલીવાળી પોળમાંથી, બી.એ.પી.એસ.ના ગઢડા મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવાયા છે.
2022 માં આંબલીવાળી પોળનું નવીનીકરણ
2022 માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’
પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં 2025 માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
કાર્યક્રમની વિગતો
પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા, સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
છેલ્લા બે મહિનાથી કુલ 20 જેટલા સેવાવિભાગો અને 5500 જેટલા સ્વયંસેવકો સેવારત.
વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
આશરે 40 હજાર જેટલાં ભક્તો-ભાવિકો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે બપોરે 4:30 સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.
આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અનેક નેતાઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત
વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કરાશે વંદના
7 ડિસેમ્બર અને રવિવારે સાંજે 5.30 થી 8.30 સુધી ચાલનાર આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 104 મા જન્મદિને કરાશે વંદના. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતાં અનેક અલંકૃત તરતાં ફ્લોટસ નદીમાં દ્રશ્યમાન થશે.
દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો ઘરે બેઠાં જીવંત પ્રસારણ માણી શકશે
ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકશો.