Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરત અને નવસારી જિલ્લામાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Rain Report : સુરતના પલસાણામાં 18 ઈંચ ખાબક્યો વરસાદ
ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના પલસાણામાં 18 ઈંચ અને કામરેજમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત અને નવસારી શહેરમાં પણ 15 ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 12 ઈંચ અને નવસારીના જલાલપોરમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા છે.
નવસારીના જલાલપોરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો
મહત્વનું છે કે વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, બારડોલી અને અંબિકામાં 10 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડોલવણ અને મહુવામાં 9 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 5 તાલુકાઓમાં 7 થી 7.5 ઇંચ અને 7 તાલુકાઓમાં 6 થી 6.5 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. બાકીના વિસ્તારોમાં 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.
5 તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સમયમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી અંગે સતર્કતા દાખવવામાં આવી રહી છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat માં વરસાદનો 85 વર્ષનો રેકોર્ડ તૂટયો, 20 ઈંચ વરસાદે શહેરને કર્યું બેહાલ