જસદણમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
જસદણના સાણથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમયથી વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. સાણથલી પંથકમાં થયેલા ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખેતરોમાં પાણી પહોંચતા જ હવે ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જેતપુરમાં ગાલોરીયા નદીમાં ઘોડાપૂર, મુખ્ય સંપર્ક માર્ગ બંધ
બીજી તરફ, જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેવકી ગાલોલ ગામ અને તેના ઉપરવાસમાં માત્ર થોડા જ કલાકોમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થિતિ વણસી ગઈ છે. ભારે વરસાદના કારણે ગાલોરીયા નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. નદીના આ વિકરાળ પ્રવાહમાં દેવકી ગાલોલ ગામ નજીક બનાવેલું કામચલાઉ ડાયવર્ઝન તણાઈ ગયું હતું. આ ડાયવર્ઝન ધોવાઈ જતાં જેતપુર-બગસરાને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, જેને કારણે વાહનચાલકો અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
Rajkot શહેરમાં વરસાદી માહોલ
રાજકોટ શહેરમાં પણ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. રેસકોર્સ, કાલાવડ રોડ, રૈયા રોડ, કોટેચા ચોક અને પુષ્કરધામ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ઉકળાટ અને ગરમી બાદ પડેલા આ વરસાદને કારણે શહેરીજનોએ મોટી રાહત અનુભવી છે.
ધોરાજીમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
વરસાદનો સૌથી ખરાબ અનુભવ ધોરાજીના નગરજનોને થયો છે. પ્રથમ વરસાદમાં જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના ચકલા ચોક, ગેલેક્સી ચોક, ત્રણ દરવાજા અને શાક માર્કેટ જેવા મુખ્ય વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું નુકસાન થયું છે. વેપારીઓ અને સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા અગાઉ કરેલા તમામ દાવાઓ પ્રથમ વરસાદે જ ધોઈ નાખ્યા છે.
આ પણ વાંચો: Kheda News: કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં એક શ્રમિકનું મોત, મકાનોમાં પડી તિરાડો, વળતરની માંગ