Gujarat Budget 2025 અંગે BJP, કોંગ્રેસ, AAP નાં નેતાઓની પ્રતિક્રિયા, મહિલાઓ-ખેડૂતોએ કહી આ વાત!
- ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ ઐતિહાસિક બજેટ રજૂ કર્યું (Gujarat Budget 2025)
- અત્યાર સુધીનું સૌથી મોટા કદનું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું
- બજેટને લઈ ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ આપી પ્રતિક્રિયા
- નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ બજેટ રજૂ કર્યા બાદ આપી હતી પ્રતિક્રિયા
Gujarat Budget 2025 : આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનાં ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં અનેક યોજનાઓ સાથે યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જો કે, બજેટ બાદ પક્ષ અને વિપક્ષનાં નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપનાં (BJP) નેતાઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે. જ્યારે, બીજી તરફ કોંગ્રેસનાં (Congress) અને આપનાં (AAP) નેતાઓએ બજેટને લઈ સરકાર પર પ્રહાર કર્યા છે. અહીં વાંચો કોણે શું કહ્યું ?
બજેટ રજૂ કર્યા બાદ નાણાપ્રધાનની પ્રતિક્રિયા
આજે સતત ચોથીવાર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ (Kanubhai Desai) ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ બાદ તેમણે પ્રતિક્રિયા આપી હતી. નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યના બજેટમાં સર્વાંગી વિકાસનો લક્ષ્ય રાખાયો છે. વિકસિત ગુજરાતનાં રોડ મેપ સંદર્ભનું આ બજેટ છે. 5 હજાર કરોડ રૂપિયા વિકસિત ગુજરાત માટે ફાળવાયા છે. બજેટમાં 'ઈઝ ઓફ લિવિંગ' અને 'ઈઝ ઓફ બિઝનેસ'ને ધ્યાને લેવાયા છે. નાણામંત્રી કનુદેસાઈએ કહ્યું કે, આજે ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં પ્રથમ ક્રમે છે. માળખાકીય સુવિધા સાથે ગુજરાતને આગળ વધારીશું.
ભાજપનાં નેતાઓની પ્રતિક્રિયા :
કોંગ્રેસને બજેટમાં કઈ નથી દેખાતું તે કોંગ્રેસનું દુર્ભાગ્ય છે : ઋષિકેશ પટેલ
બજેટ અંગે (Gujarat Budget 2025) બીજેપી પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) કહ્યું કે, બજેટ રાજ્યનાં વિકાસને આગળ લઈ જનાર બજેટ છે. આરોગ્ય કે શિક્ષણ તમામ વિભાગોનો સમાવેશ કરનારૂ આ બજેટ છે. આ સાથે તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને બજેટમાં કઈ નથી દેખાતું તે કોંગ્રેસનું દુર્ભાગ્ય છે.
ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા
ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ (C.J. Chavda) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બજેટમાં ખેડૂતોને ધ્યાને લેવામાં આવ્યા છે. ગામનાં વિકાસ માટે શહેર જેવી સુવિધાઓ કરાશે. જ્યારે શહેરને સજ્જ અને સ્માર્ટ સિટી બનાવતું આ બજેટ છે. બજેટમાં દરેક ક્ષેત્રની વાત કરવામાં આવી છે.
ભાજપનાં ધારાસભ્ય નરેશ પટેલ
ભાજપનાં ધારાસભ્ય નરેશ પટેલે (Naresh Patel) કહ્યું હતું કે, ગુજરાતમાં દરેકને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આદિજાતિનાં વિકાસ માટેનું આ બજેટ છે. વનબંધું કલ્યાણ યોજનાનાં પેકેજમાં વધારો કરાયો છે. આ માટે CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાણામંત્રીને અભિનંદન.
ભાજપ MLA ડો. હર્ષદ પટેલ
ભાજપ MLA ડો. હર્ષદ પટેલે (Dr. Harshad Patel) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકારે શહેરી વિકાસનાં બજેટમાં વધારો કર્યો છે. બજેટમાં દરેક ક્ષેત્રની ચિંતા કરાઈ છે. ગુજરાતનાં સર્વાગી વિકાસનું આ બજેટ છે.
ભાજપ ધારાસભ્ય અમિત ઠાકર
જ્યારે ભાજપ ધારાસભ્ય અમિત ઠાકરે કહ્યું કે, આ બજેટ લોકોનાં સપના પૂર્ણ કરતું બજેટ છે. શહેરી વિકાસમાં 30 હજાર કરોડ વપરાશે. આદિવાસી, દલિત, મહિલાઓ માટે બજેટમાં જોગવાઈ છે. વર્ષ 2025-26 માં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે.
આ પણ વાંચો - Gujarat સહિત દેશને હચમચાવનાર CCTV કાંડમાં મોટો ઘટસ્ફોટ, કઈ રીતે ચાલતું હતું આ નેટવર્ક?
જાણો, કોંગ્રેસનાં નેતાઓએ શું કહ્યું ?
કોંગ્રેસનાં ધારાસભ્ય તુષાર ચૌધરી
ગુજરાતનાં બજેટને લઈ કોંગ્રેસનાં (Congress) નેતાઓની પણ એક બાદ એક પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ (Tushar Chaudhary) કહ્યું કે, બીજા વ્હીકલ પર ડ્યૂટી ઘટાડી નથી. બજેટમાં ગામનાં લોકોની કોઈ વાત નથી કરાઈ. માત્ર મનપા-નપાને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરાયું છે.
કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર
ગુજરાતનાં બજેટ પર કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે (Shailesh Parmar) નિવેદન આપી ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, બજેટનું કદ વધ્યું છે અને દેવું પણ વધશે. ભરતીનાં કેલેન્ડર જ બતાવવામાં આવ્યા છે પણ બજેટમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે કંઈ જ નથી.
કાંતિ ખરાડી અને MLA ઇમરાન ખેડાવાલાની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા કાંતિ ખરાડી (Kanti Kharadi) એ કહ્યું કે, બજેટમાં લોકોની અગાઉની માગણીઓ સંતોષાઈ નથી. જ્યારે, MLA ઇમરાન ખેડાવાલાએ (MLA Imran Khedawala) આ બજેટને નિરાશાજનક ગણાવ્યું હતું અને કહ્યું કે, લોકોની આશાઓ પરિપૂર્ણ થાય તેવું આ બજેટ નથી. લઘુમતી સમાજ માટે કોઈ પણ ઉલ્લેખ બજેટમાં કરાયો નથી.
વિપક્ષ નેતા અમિત ચાવડા
બજેટને લઈ વિપક્ષ નેતા અમિત ચાવડાનું (Amit Chavda) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નાગરિકોને બજેટમાં કોઈ રાહત મળી નથી. બજેટમાં રાજ્યની ગૃહિણીઓની આશા ઠગારી સાબિત થઈ છે. યુવાનોને રોજગાર મળશે તેવી આશા હતી. અમિત ચાવડાએ કહ્યું કે, હીરા ઉધોગ માટે બજેટમાં કંઈ જાહેરાત થઈ નથી. આંગણવાડી, આશાવર્કર બહેનો માટે પણ કંઈ નથી. આ બજેટમાં ગામડા સાથે અન્યાય થયો છે. ગ્રામ્ય વિકાસ માટે નવી કોઈ યોજનાની જાહેરાત બજેટમાં કરાઈ નથી. આજે સરકાર ગામડાઓને ભૂલી ગઈ. વિપક્ષ નેતાએ વધુમાં કહ્યું કે, SC, ST, OBC અને લઘુમતી માટે કોઈ વિશેષ જોગવાઈ બજેટમાં કરાઈ નથી. રાજ્યનાં ખેડૂતો પાયમાલ બન્યાં છે. ત્યારે બજેટમાં ખેડૂતોનાં દેવામાફીની કોઈ જાહેરાત કરાઈ નથી.
આ પણ વાંચો - Rajkot: કુંવરજી બાવળિયાએ કોને ધમકી આપી? ઓડિયો થયો વાયરલ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનાં આક્ષેપ, ઉમેશ મકવાણાએ કહી આ વાત
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બજેટમાં આદિવાસીઓનાં વિકાસની કોઈ વાત થઈ નથી. આદિજાતી વિસ્તારમાં શિક્ષકોનાં ઘટની કોઈ વાત કરાઈ નથી. ભાડભૂત યોજનામાં જમીન ગઈ તેની કોઈ જોગવાઈ નહીં. આ બજેટ આંકડાઓની માત્ર માયાજાળ છે. મોઘવારી પર કંટ્રોલ અને ખેડૂત-યુવાને લાભ માટે બજેટમાં કંઈ નહોતું. અમને જે આશા અને અપેક્ષા હતી તેવું કંઈ બજેટમાં નથી. જ્યારે, AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makwana) કહ્યું કે, આ બજેટ રેવડી અને લોલીપોપ સમાન છે. ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત છે. તેમણે કહ્યું કે, આ નિરાશાજનક બજેટ છે.
બાર કાઉન્સિલ ચેરમેન જે.જે.પટેલે આપી પ્રતિક્રિયા
બાર કાઉન્સિલ ચેરમેન જે.જે.પટેલે (J.J. Patel) ગુજરાતનાં બજેટનાં આવકાર્યું હતું અને કહ્યું કે, બજેટમાં દરેક સમાજનું હિત આવરી લેવાયું છે. આ બજેટમાં વકીલોની પણ ચિંતા કરાઈ છે. ગુજરાતનાં વકીલોને 5 કરોડ આપવાની જાહેરાત કરાઈ છે. અત્યાર સુંધીમાં 28 કરોડ સુધીની મદદ કરાઈ છે. વેલફેર સહાય યોજના મુજબ વકીલોને સહાય આપાઈ છે.
ગુજરાતનાં બજેટ પર મહિલા, ખેડૂતની પ્રતિક્રિયા
રાજકોટની (Rajkot) મહિલાઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે. મેટ્રોસિટીમાં વુમન્સ હોસ્ટેલની (Women's Hostel in Metrocity) જાહેરાતને મહિલાઓએ વધાવી છે. મહિલાઓએ કહ્યું કે, બજેટમાં મહિલાઓ માટે વિશેષ યોજનાઓની જાહેરાત કરાઈ છે. મહિલાઓ માટે વિશેષ 100 કરોડનું બજેટ ફાળવાયું છે. બીજી તરફ ભાવનગરનાં (Bhavnagar) ખેડૂતોએ પણ રાજ્યનાં બજેટને આવકાર્યુ છે. તેમણે કહ્યું કે, ખેડૂતો માટે વિશેષ 5 હજાર કરોડનું બજેટ ફાળવાયું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી બજેટની જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચો - Gujarat Budget 2025 : 'વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું' ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ : CM ભૂપેન્દ્ર પટેલ