કચ્છમાં 500 શાળાઓના રૂમ જર્જરિત સ્થિતિમાં, પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્વીકાર્યું
- કચ્છમાં 500 શાળાઓના રૂમ જર્જરિત સ્થિતિમાં, પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્વીકાર્યું
નખત્રાણા, કચ્છ: કચ્છમાં શિક્ષકોની અછત અને શાળાના જર્જરીત મકાનોને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ પૂરતા શિક્ષકો અને નવા ઓરડાઓની માંગણી કરી છે. ભૂજ તાલુકાના રતિયા ગામમાં થયેલ શાળા દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને દેશલપરની શાળાના જર્જરીત ઓરડાઓનું તાત્કાલિક રિનોવેશન અથવા વૈકલ્પિક જગ્યાએ શાળા શરૂ કરવાની માંગણી ઉઠી છે. નાયબ કલેક્ટરને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે.
નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામમાં આવેલ પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરીત હાલતમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધી છે. શાળાના ચાર ઓરડાઓમાંથી બે-ત્રણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, જેની બાજુમાં મુખ્ય પ્રવેશ દ્વાર હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે. ગત વર્ષથી આ ઓરડાઓ વાપરવા લાયક નથી અને ગામના સરપંચે નવા બિલ્ડિંગની માંગણી કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી.
અબડાસા વિસ્તારના ધારાસભ્યે જણાવ્યું છે કે કચ્છનો વિસ્તાર વિશાલ છે અને ભૂકંપ પછીના બાંધકામો હવે રિનોવેશન કે નવા બાંધકામની જરૂરિયાત ધરાવે છે. તેમણે જણાવ્યું કે બધી શાળાઓનું સર્વે ચાલી રહ્યું છે, અને જરૂરી જગ્યાએ રીપેરિંગ અથવા નવું બાંધકામ થશે. જિલ્લા શિક્ષણ અધિકારી (પ્રાથમિક)ના જણાવ્યા અનુસાર, કચ્છમાં 500થી વધુ શાળાના ઓરડાઓ જર્જરીત છે, અને સર્વે દ્વારા તેની ચકાસી કરાઈ રહી છે. દેશલપર શાળાના છ ઓરડાઓમાંથી ચાર જર્જરીત હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને તેની તાત્કાલિક કામગીરી શરૂ થશે. શિક્ષણ સમિતિની મંજૂરી બાદ બાળકોની સુરક્ષા માટે નક્કર આયોજન થઈ રહ્યું છે.
હાલમાં રિનોવેશનની સમયસૂચી જાહેર થઈ નથી, પરંતુ સર્વે અને નવા બાંધકામની કામગીરી ચાલુ હોવાથી આશા છે કે દેશલપર શાળાના ઓરડાઓનું નિકટ ભવિષ્યમાં રિનોવેશન કે નવું બાંધકામ થશે. જો સમયસર કામ થશે તો અઘટિત ઘટનાઓથી બચી શકાય, જે માટે સત્તાવાળાઓ પર દબાણ વધી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળાની છત પડતા સાત વિદ્યાર્થીઓના મોત થઈ ગયા હતા. આ ઘટનાએ દેશભરના લોકોને દુ:ખી કરવાની સાથે-સાથે ક્રોધિત પણ કરી દીધા હતા. આ ઘટના વચ્ચે ગુજરાતના કચ્છ અને આસપાસના વિસ્તારમાં આવેલી શાળાઓમાં અનેક એવી શાળાઓ છે, કે જેમના રૂમ તૂટી પડે તેવી સ્થિતિમાં આવી ગયા છે. તે છતાં તેમને રિપેરિંગ કરવાની જગ્યાએ મંજૂરીની વાતો કરવામાં આવી રહી છે.
તેથી આગામી સમયમાં ગુજરાતમાં પણ નાના ભૂલકાઓનું ભોગ લેવાય તો નવાઇ નહીં. પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પોતે જ સ્વીકારી ચૂક્યા છે કે, 500 ઓરડાઓ જર્જરિત સ્થિતિમાં છે. તો પછી બાળકોના જીવ સાથે રમત કેમ રમવામાં આવી રહી છે? સરકારી પ્રક્રિયા અને પરવાનગીઓમાં બાળકોનો ભોગ લેવાશે તો કોણ જવાબદાર ગણાશે? તે પણ શિક્ષણ અધિકારીને જણાવી દેવું જોઈતું હતું.
આ પણ વાંચો- VADODARA : દશામાંની સાંઢણીની આંખમાંથી ઘી વહેવા મામલે ચમત્કારનો પર્દાફાશ