ડભોઈમાં 5 હજારથી વધુ લોકો સાથે હર્ષભાઈ સંઘવીની યુનિટી માર્ચ
વડોદરા જિલ્લાના ઐતિહાસિક ડભોઈ નગરમાં આવેલા કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી યુનિટી માર્ચનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશાળ દોડમાં 5 હજારથી વધુ નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લીલી ઝંડી આપી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે આખી દુનિયા પર શાસન કરનારા લોકો પણ આજે સરદાર પટેલને સાચા દિલથી નમન કરે છે. સૌ નાગરિકો સાથે એકતાના શપથ લીધા બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) જવા રવાના થયા હતા.
રાજકોટમાં એકતા દોડ બાદ મંત્રીએ પીરસ્યા ગરમાગરમ ગાંઠીયા
રાજકોટ ખાતે પણ સરદાર પટેલની સ્મૃતિમાં શહેર પોલીસે રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન હાથ ધર્યું હતું. શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતેથી શરૂ થયેલી આ દોડ રેસકોર્સ રિંગ રોડ સુધી પહોંચી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
દોડ પૂર્ણ થયા બાદ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાતે ગાંઠિયા બનાવીને સૌની સાથે એક જ પ્લેટમાં આરોગ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે,"અમે બધા એક છીએ" તેવો સુંદર સામાજિક સંદેશ આપતાં જણાવ્યું હતું કે રાજકોટ આવીને ગાંઠીયાનો નાસ્તો ન કરીએ તે કેમ ચાલે. એટલું જ નહીં પણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંઠીયા પણ બનાવ્યા હતા.
સુરતમાં 151મી જન્મજયંતિ પર પોલીસ-પ્રજાનો અનોખો સંગમ
સુરત શહેરમાં "એક ભારત - શ્રેષ્ઠ ભારત"ના લક્ષ્ય સાથે એકતા દોડ યોજાઈ હતી. અઠવાલઈન્સ સ્થિત પોલીસ ભવન ખાતેથી પ્રસ્થાન પામેલી આ દોડમાં પોલીસ વિભાગ, પાલિકા તંત્ર અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. આ ગરિમાપૂર્ણ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર, સુરત મેયર, જિલ્લા કલેક્ટર, ધારાસભ્યો તેમજ વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સહભાગીઓએ રાષ્ટ્રની સુરક્ષા અને અખંડિતતા અક્ષુણ્ણ રાખવાના સંકલ્પ લીધા હતા.
જામનગરમાં પોલીસ ટીમની જહેમત અને રાષ્ટ્રીય એકતાના શપથ
જામનગર જિલ્લા પોલીસ વિભાગે આ એકતા દોડનું સુંદર આયોજન સંભાળ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ પરિવાર સાથે મોટી સંખ્યામાં શહેરના નાગરિકો દેશપ્રેમના સંદેશ સાથે જોડાયા હતા. દોડમાં મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રાઘવજી પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી અને ડેપ્યુટી મેયર રાકેશ ડેર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા અને કમિશનર દીપેશ કેડિયા પણ જોડાયા હતા. જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની, DySP જયવીરસિંહ ઝાલા, પિયુષ વંદા તેમજ મીત રુદ્લાલની ટીમે સુચારુ વ્યવસ્થા ગોઠવી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ દેશની અખંડિતતા જાળવવાના દ્રઢ શપથ લીધા હતા.
આ પણ વાંચો--- Ahmedabad Vishwa Umiyadham : સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના પાટીદાર પ્રમુખોની મહત્ત્વની બેઠક, વિશ્વ ઉમિયાધામમાં શું થશે?