Sabar Dairy : શું ખરેખર મોટાભાગના કોન્ટ્રાક્ટ રાજકીય નેતાઓ અને તેમના મામકાઓને મળે છે ?
- Sabar Dairy ના ગેરવહીવટ અંગેના આક્ષેપો સાચા છે કે ખોટા ?
- શું ડાયરેકટર્સ 3થી વધુ ગ્રપોમાં વહેંચાયેલા છે ?
- સ્થાનિકોના આક્ષેપ અનુસાર ડેરીના અગ્રણીઓ બેફામ બની ગયા છે
Sabar Dairy : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોના હિતમાં સહકારના સિદ્ધાંતોને આધારે સાબર ડેરી (Sabar Dairy) ની સ્થાપના કરવામાં આવી હતી. જો કે અત્યારે સાબર ડેરીમાં સહકારના સિદ્ધાંતોની વ્યાખ્યા બદલાઈ ગઈ હોય તેમ આ સંસ્થાને સેવા માટે નહિ પરંતુ કમાણી માટે માધ્યમ બનાવી દેવાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એક ગંભીર આક્ષેપ અનુસાર ડેરીના અગ્રણીઓ ધારે તેવા ખર્ચાઓ કરીને મોજ કરે છે અને તેમને કોઈ પૂછવાવાળું નથી, કોઈ તેમના હિસાબો માંગવાવાળું નથી.
વધારાની કમાણી કરવાના આક્ષેપો
Sabar Dairy ના ડિરેક્ટર્સ અને ચેરમેન સહિત એમડી અને અધિકારીઓએ પગાર ઉપરાંતની કમાણી કરવા માટે મોકળું મેદાન બનાવી દીધાનો એક આક્ષેપ થઈ રહ્યો છે. આ આક્ષેપ અનુસાર આજે સાબર ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં જે સહકારી નેતાઓના મામકાઓ તગડો પગાર લઈ રહ્યા છે, આલિશાન ગાડીઓમાં ફરી રહ્યા છે તેમનો વધારાનો ખર્ચ પણ દૂધ ઉત્પાદકો ભોગવી રહ્યા છે.
લાખો રુપિયાના ખર્ચે થતાં મેળાવડા પર પણ ઉઠ્યા સવાલો
સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક સ્થાનિકો લોકો સવાલો કરી રહ્યા છે કે Sabar Dairy ના નેજા હેઠળ છાશવારે લાખો રુપિયાના ખર્ચે મેળાવડા અને કાર્યક્રમો યોજાય છે તેના હિસાબો કોઈને બતાવવામાં આવતા નથી. આ લોકો અનુસાર એકાઉન્ટ વિભાગના અધિકારીઓ ચેરમેન અને ડિરેક્ટરોના કહેવાથી ગમે તે ખોટ દર્શાવી દે છે. આ સવાલો ઉઠાવનારા લોકોએ ભવિષ્ય ભાખ્યું છે કે દૂધ ઉત્પાદકોના હિત માટે ચાલતી આ સંસ્થાનું ભવિષ્ય કેટલું રહેશે તે કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચોઃ Sabardairy : શું ખરેખર લાખો રૂપિયા લઈ માનીતા અને સગા-વ્હાલાઓને નોકરી અપાય છે ?
સાચી હકીકત જૂદી હોવાનો દાવો
Sabar Dairy ના સત્તાવાળાઓ દૂધ ઉત્પાદન વધ્યું હોવાનો દાવો કરે છે જો કે સ્થાનિકો અને કેટલાક જાગૃત નાગરિકોનો દાવો કંઈક જૂદો છે. તેમના મત અનુસાર ડેરી દૂધનો ઉત્પાદન વધ્યું હોવાનો દાવો કરે છે પરંતુ ગામડાઓમાં જઈને તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે છે. જો દૂધનું ઉત્પાદન ઘટ્યું અને માંગ વધે તો દૂધની ગુણવત્તા કેવી હોઈ શકે તે પણ તપાસનો વિષય છે. ડેરીના આ સહકારી નેતાઓ આવા સેટિંગ માટે વારંવાર મીટિંગો કરીને બધું ગોઠવી દેતા હોવાનો એક મોટો આક્ષેપ થઈ રહ્યો છે. વર્તમાનમાં સાબર ડેરીના ડિરેક્ટરોમાં 3 થી વધુ ભાગલા પડી ગયા હોવાનો સૂત્રોનું કહેવું છે. સૂત્રો જણાવે છે કે, કેટલાક ડિરેક્ટર ડેરીની મીટિંગોમાં અચૂક જાય છે પરંતુ બહુમત ન હોવાને કારણે તેઓ બોલી શકતા નથી. સમજી તો શકે છે પણ માને છે કે અમારે સહકારી ક્ષેત્રમાં રહેવું હશે તો સમય પારખીને શાંત બેસી રહેવું પડશે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા