Sabar Dairy : સાબરદાણ ફેકટરીમાં કોનું છે પ્રભુત્વ? કોની રહેમ નજરે માનીતા ઈજારદારે વર્ષોથી જમાવ્યો અડીંગો?
- Sabar Dairy સંચાલિત સાબરદાણ ફેકટરીમાં કોનું છે પ્રભુત્વ ?
- ઈજારદારનાં પ્રભાવથી ડેરીનાં સત્તાવાળાઓ અંજાઈ ગયા હોવાની ચર્ચા
- કાચા માલની તમામ ખરીદીમાં નિયમોને નેવે મુકાતા હોવાનું અનુમાન
- ગુજરાતની અન્ય ડેરીઓમાં પણ માનીતા ઈજારદારે પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હોવાનાં આક્ષેપ
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતી સાબરડેરીની પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. ત્યારે, આ મામલે ડેરીનાં વર્તમાન સત્તાવાળાઓ જ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. દૂધ ઉત્પાદકો માટે હાજીપુર સ્થિત સાબરદાણ ફેકટરીમાં રોજબરોજ હજારો ટન દાણનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે તેમાં પણ વર્ષોથી એક હથ્થું ઈજારો મેળવતા અને હિંમતનગરમાં રહેતા એક સ્થાનિક રાજકારણીનાં પ્રભાવથી ડેરીનાં સત્તાવાળાઓ ચૂપ થઈ ગયા હોય તેવું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં સહકારી અગ્રણીઓનું માનવું છે.
સાબરદાણ ફેકટરીમાં હિંમતનગરનાં ઈજારદારે વર્ષોથી અડિંગો જમાવી દીધાનો આરોપ
આ અંગે એક જાણકારનાં દાવા મુજબ, સાબરડેરી સંચાલિત સાબરદાણ ફેકટરીમાં કાચો માલ તથા પેકિંગમાં વપરાતા શણનાં કોથળા હિંમતનગરમાં રહેતો એક યુવાન અને સ્થાનિક રાજકારણીનો પરિવાર વર્ષોથી સપ્લાય કરી રહ્યા છે. બીજી તરફ કાયદા મુજબ, ખરીદી અથવા બિનજરૂરી ચીજ-વસ્તુનો નિકાલ કરવા માટે ટેન્ડર બહાર પાડવું પડે છે, જેમાં રૂ. 5 લાખથી વધુનું કોઈ ટેન્ડર બહાર પડ્યા પછી સરકારે નક્કી કરેલ પદ્ધતિ મુજબ ખરીદી કરતા પહેલા જવાબદારોની મંજૂરી લેવાની જોગવાઈ છે. પરંતુ, સાબરડેરીનાં ડિરેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓની ભલમણ શાહીનો ભરપૂર લાભ ઉઠાવીને હિંમતનગરનાં આ ઈજારદારે વર્ષોથી અડિંગો જમાવી દીધો હોવાથી તેમની સામે કોઈ હરિફાઈ કરી શકતા નથી. તેવું કેટલાક ઈજાદારોનું કહેવું છે.
આ પણ વાંચો - Sabar Dairy : રાજસ્થાનમાંથી દૂધની ખરીદીમાં ડિરેક્ટરો, વહીવટકર્તા 'ભ્રષ્ટાચાર' આચરતા હોવાનો ગંભીર આરોપ
ગુજરાતની અન્ય ડેરીઓમાં પણ ઈજારદારે પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હોવાનાં આક્ષેપ
બીજી તરફ માત્ર સાબરદાણ ફેકટરીમાં નહીં પણ ગુજરાતની અન્ય ડેરીઓમાં પણ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને જરૂર પડે આર્થિક વ્યવહાર કરીને ઈજારો મેળવવામાં માહેર ગણાતા હિંમતનગરનાં આ ઈજારદારે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હોવાનાં પણ આરોપ થયા છે. જો કે, તેમ છતાં જિલ્લા રજિસ્ટ્રાર, રાજય રજિસ્ટ્રાર કે સરકાર કંઈ જ કરી શકતી નથી તેવી છાપ પણ ઉપસી રહી છે. વધુમાં, એક સહકારી અગ્રણીનાં કહેવા મુજબ, હિંમતનગરનાં આ ઈજારદારે સાબરદાણ ફેકટરીમાં પોતાનું ધાર્યું કરાવવા માટે યેનકેન પ્રકારે પોતાના માણસો ગોઠવી દીધા છે તથા ગુણવત્તા વગરનો કાચો માલ હોય તો પણ ડેરીનાં કર્મચારીઓ આ ઈજારદારનાં પ્રભાવને કારણે ચુપકીદી સેવી રહ્યા છે. તે સમજાતું નથી.
આ પણ વાંચો - Sabar Dairy : ભરતી, ખરીદી બાબતે ડિરેક્ટર, વહીવટીકર્તા મનમાની કરી લાભ મેળવતા હોવાનાં ગંભીર આક્ષેપ
અગાઉ દૂધ ઉત્પાદકોમાં પણ સાબરદાણની ગુણવત્તા અંગે બુમરાણ હતી!
સહકારી અગ્રણીએ વધુમાં કહ્યું કે, જો આમ જ ચાલશે તો સાબરડેરી સંચાલિત સાબરદાણ ફેકટરીમાં તૈયાર થતા દાણની ગુણવત્તા પર અસર પડે તેવી શકયતાને નકારી શકાતી નથી. તેમણે કહ્યું કે, કેટલાક દૂધ ઉત્પાદકોએ પણ અગાઉ સાબરદાણની ગુણવત્તા અંગે બુમરાણ મચાવી હતી પરંતુ, વિરોધ કરનારને ચુપ કરી દેવામાં આવ્યા હતા. દૂધ ઉત્પાદકો અને પશુપાલકોનું હિત જોતા સહકારી અગ્રણીઓએ અવાજ ઉઠાવવાની જરૂર છે. પરંતુ, કેટલાક સહકારી અગ્રણીઓ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભૂતકાળમાં લાભ લઈ ચૂકયા હોવાથી હાલ તેઓ મૌન સેવી રહ્યા છે. તેમ જણાવ્યું હતું.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Surat : પાંડેસરાની હોટેલમાં મહિલા TRB જવાને ગળેફાંસો ખાદ્યો! પરિવારનો ગંભીર આરોપ