Sardar Yatra : આંકલાવથી ગુંજી ઉઠ્યા રાષ્ટ્રપ્રેમના નારા
- Sardar Yatra : પદયાત્રાના પ્રથમ રૂટ માં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી યોજાઈ સરદાર પદયાત્રા
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અંકલાવ બસ સ્ટેશનથી ત્રીજા દિવસની પદયાત્રામાં સહભાગી બન્યા
- કેન્દ્રીય મંત્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અજય ટમ્ટા પણ જોડાયા એકતા પદયાત્રામાં
- અંદાજે ૧૩ કિલોમીટરની આ રાષ્ટ્રીય પદયાત્રામાં કલા અને સંસ્કૃતિથી રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશપ્રેમમાં થયા દર્શન
Sardar Yatra : આણંદ જિલ્લાના આંકલાવથી કેન્દ્રીય મંત્રીઓ સહિતના મહાનુભાવો પદયાત્રામાં જોડાયા; ૧૩ કિલોમીટરના માર્ગ પર રાષ્ટ્રીય એકતા અને સમરસતાનો સમન્વય જોવા મળ્યો.
અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પ્રારંભ થયેલી સરદાર@૧૫૦: યુનિટી માર્ચ (રાષ્ટ્રીય પદયાત્રા)ના ત્રીજા દિવસનો પ્રારંભ આજે આણંદ જિલ્લાના આંકલાવ ખાતેથી થયો હતો. કરમસદથી કેવડિયા સુધીની આ રાષ્ટ્રીય પદયાત્રામાં સમગ્ર માર્ગ પર રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિના અદ્દભુત વાતાવરણનું નિર્માણ થયું હતું.
Sardar Yatra મહાનુભાવોની ઉપસ્થિતિ: એકતાના સંદેશને બળ
પદયાત્રાના આજના ત્રીજા દિવસે આંકલાવ ખાતેના શુભારંભ સ્થળેથી કેન્દ્રીય મંત્રીઓ સહિતના અગ્રણી નેતાઓ જોડાયા હતા, જેમણે એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી શ્રી એસ.પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી અજય ટમ્ટા સહિતના મહાનુભાવોએ પદયાત્રીઓની સાથે ચાલીને પ્રેરણા પૂરી પાડી હતી.
આંકલાવથી પ્રારંભ થયેલી આ યાત્રામાં પદયાત્રીઓના જોશભર્યા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. "જય જય સરદાર", "વંદે માતરમ્"ની સાથે "My Bharat", "Vikasit Bharat" અને "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના નારાઓએ રાષ્ટ્રીય એકતાના ભાવને ચરમસીમાએ પહોંચાડ્યો હતો.
Sardar Yatra -આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન: કેન્દ્રીય મંત્રીશ્રીનો સંદેશ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા Mansukh Mandaviya એ માધ્યમો સાથેના સંવાદમાં પદયાત્રાના આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું નિર્માણ કરીને શ્રેષ્ઠ ભારતના નિર્માણની પરિકલ્પના કરી હતી. તેવી જ રીતે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)એ પણ ભારતવર્ષને એક ભારત શ્રેષ્ઠ ભારત તથા આત્મનિર્ભર ભારત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્ન સાકાર થાય અને તેનો સંદેશ જન જન સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાઇ છે.
કલા, સંસ્કૃતિ અને આતિથ્યનો સમન્વય
રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો આજના અંદાજિત ૧૩ કિલોમીટરનો રૂટ કલા, સંસ્કૃતિ, રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશભક્તિના અદ્ભુત સમન્વયનું સાક્ષી બન્યો હતો. આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધીના માર્ગ પર હઠીપુરા, ઉમેટા સહિતના અનેક વિસ્તારોમાં ગ્રામ્યજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સ્થાનિક લોકોએ ગીતો, ગરબા અને ફૂલવર્ષાથી યાત્રાના વધામણા કર્યા હતા.
આ ઉપરાંત, પદયાત્રીઓ માટે ઊભા કરાયેલા શરબત, પાણી, છાસ અને નાસ્તાના સ્ટોલોએ રાજ્ય અને રાજ્ય બહારથી આવેલા પદયાત્રીઓને ગુજરાતના ઉદાર આતિથ્યનો અનુભવ કરાવ્યો હતો.
વૃક્ષારોપણ અને યુવાશક્તિનો જોશ
પદયાત્રાના પ્રારંભે કેન્દ્રીય મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો અને પદયાત્રીઓએ સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો. આ પદયાત્રા દરમિયાન યુવા ભારત અભિયાનના વોલન્ટિયરો, સ્કાઉટ-ગાઈડ, NCC, NSSના વિદ્યાર્થીઓ, જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક સરદાર પ્રેમીઓના દેશભક્તિભર્યા ગીતો અને નારાઓએ પદયાત્રાને ખરા અર્થમાં યાદગાર બનાવી દીધી હતી.
હઠીપુરા અને ઉમેટા જેવા સ્થળોએ મોટી સંખ્યામાં એકત્રિત થયેલી જનમેદનીએ રાષ્ટ્રીય એકતા માર્ચનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.
આ પદયાત્રામાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, સાંસદ મિતેશ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ખંભાત ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલ, સહિત અનેક અગ્રણીઓ, અધિકારીઓ અને સરદાર પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો : 'Babri' in Bengal : બંગાળમાં ધ્રુવીકરણનું જોખમી રાજકારણ