ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલમ્પિક ગેમ માટે પંચમહાલના મનો દિવ્યાંગ વિદ્યાર્થીનીની પસંદગી
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલના મોરવા હડફ તાલુકાના કસનપુર ગામની મનો દિવ્યાંગ વિદ્યાર્થીની લીલાબેન પટેલની પસંદગી આગામી 26 જૂન થી જર્મનીના બર્લિન ખાતે પ્રારંભ થનારી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલમ્પિક ગેમ સ્પર્ધામાં બાસ્કેટબોલ રમત માટે મહિલા ટીમમાં કરવામાં આવી છે. ગુજરાતમાંથી...
04:05 PM Jun 03, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
પંચમહાલના મોરવા હડફ તાલુકાના કસનપુર ગામની મનો દિવ્યાંગ વિદ્યાર્થીની લીલાબેન પટેલની પસંદગી આગામી 26 જૂન થી જર્મનીના બર્લિન ખાતે પ્રારંભ થનારી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલમ્પિક ગેમ સ્પર્ધામાં બાસ્કેટબોલ રમત માટે મહિલા ટીમમાં કરવામાં આવી છે. ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવેલા સ્પેશ્યલ કેટેગરીના ખેલાડીઓમાં ભારતમાંથી લીલાબેન પટેલને પણ તક મળતાં સ્વજનોમાં ખુશી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે માનસિક અસ્વસ્થ બાળકોમાં આત્મ વિશ્વાસ વધે અને તેનામાં છુપાયેલુ કૌશલ્ય બહાર આવે એ માટે આ પ્રકારના રમતોત્સવનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે.
ગુજરાત વતી પાંડેચેરી ખાતે નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધામાં સારૂ પરફોર્મન્સ કર્યુ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા કસનપુર ગામમાં જોવા ગામના અમરસિંહ પટેલની દીકરી લીલાબેન જન્મ બાદ તેના માનસિક વિકાસ ઓછો હોવાથી તેનો પરિવાર ચિંતિત હતો. પરંતુ પોતાની દીકરીને પરિવારજનો એ સ્થાનિક શાળામાં અભ્યાસ કરાવ્યા બાદ ઉચ્ચતર અભ્યાસ માટે મોરવા હડફ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ માટે મૂકવામાં આવી હતી. લીલાના અભ્યાસકાળ દરમિયાન લીલાએ દોડમાં રૂચિ કેળવી હતી જેથી સ્પેશિયલ એજ્યુકેશન શિક્ષક દ્વારા લીલાના કૌશલ્યને પારખી તેના પ્રત્યે થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું .દરમિયાન તેણીને ગોધરા ખાતે બાસ્કેટબોલની તાલીમ આપવામાં આવી હતી જેમાં લીલાનું પરફોર્મન્સ નિહાળી તેના પ્રત્યે કોચને આત્મવિશ્વાસ જન્મ્યો હતો. જેથી લીલાને બાસ્કેટબોલમાંથી તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ બાસ્કેટબોલમાં મેચમાં ભાગ લેવડાવવામાં આવ્યો હતો. જેમાં લીલા એ ગુજરાત વતી પાંડેચેરી ખાતે નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધામાં સારૂ પરફોર્મન્સ કર્યુ હતું જેથી લીલાની પસંદગી ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓલમ્પિક ભારતમાં થઈ છે.
જર્મન મોકલવા માટે ઇન્કાર
જોકે લીલાનો પરિવાર ખૂબ જ દારૂણ અને દયનીય પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યો છે જેથી પ્રારંભિક તબક્કામાં પોતાની પાસે દીકરીને વિદેશ મોકલવાના નાણાં નથી એમ જણાવી જર્મન મોકલવા માટે ઇન્કાર કરી દેવાયો હતો. પરંતુ સ્પેશિયલ ઓલમ્પિક ભારતના પંચમહાલ જિલ્લાના સંચાલન કર્તાઓ દ્વારા લીલાના સ્વજનોને સમજાવટ કરી પાસપોર્ટ સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે જેનાબાદ હવે સ્વજનોએ લીલા ને જર્મન મોકલવાની તૈયારી બતાવી છે.
માતા પિતા પોતાનો જીવન નિર્વાહ માત્ર ખેતી ઉપર જ ચલાવી રહ્યા છે
ઇન્ટરનેશનલ સ્પેશ્યલ ઓલમ્પિકમાં ભારતમાંથી બાસ્કેટ બોલ સ્પર્ધામાં મહિલા ખેલાડી તરીકે રમવા માટે જઈ રહેલી લીલાના પરિવારની વાત કરવામાં આવે તો તેના માતા પિતાને કુલ ત્રણ સંતાનો છે અને માતા પિતા પોતાનો જીવન નિર્વાહ માત્ર ખેતી ઉપર જ ચલાવી રહ્યા છે. માતા અને પિતા બંને અભણ છે જેથી પોતાની દીકરીના અભ્યાસ અથવા તો હાલ જર્મની ખાતે બાસ્કેટબોલ સ્પર્ધા માટે જવા અંગેની પણ તેઓને પુરી જાણકારી નથી. પરંતુ પોતાની દીકરી પ્રત્યે તેઓને હાલ ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કેમકે જન્મ બાદ માનસિક વિકાસ ઓછો ધરાવતી લીલાના ભવિષ્ય અંગે સ્વજનો ચિંતિત હતા ત્યારે એ જ લીલા એ પોતાના કૌશલ્ય થકી પોતાનું માતા-પિતાનું નામ રોશન કરી ગામ,પરિવાર,જીલ્લા, રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. જોકે લીલા અને તેનો પરિવાર એક સામાન્ય કાચા મકાનમાં આજે પણ વસવાટ કરી રહ્યો છે જેમાં લીલા પણ પરિવાર જનોને તમામ ઘરકામમાં મદદ કરે છે.
Next Article