Panchmahal: લગ્ન પ્રસંગમાં લોહીયાળ જંગ, ભાઈઓએ જ લીધો ભાઈનો જીવ!
Panchmahal Shehra Crime: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામે એક લગ્ન પ્રસંગમાં ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. ફુલેકું લઈ જવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ એટલો વણસી ગયો કે બે સગા ભાઈઓએ પોતાના જ ભાઈનો જીવ લીધો હતો. 26 વર્ષીય યુવક મિનેશ ડામોરની તેના જ કાકાના દીકરા ભાઈઓ પ્રકાશ ડામોર અને દીપક ડામોર દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે.
ફુલેકું કાઢવા અંગે બોલાચાલી થઈ હતી
ઘટનાની વિગતો મુજબ, લગ્ન પ્રસંગમાં ફુલેકું (vargodo) કાઢવા અંગે બોલાચાલી થઈ હતી. આ મામલો એટલો ઉગ્ર બન્યો કે પ્રકાશ અને દીપક ડામોરે મિનેશ ડામોર પર હુમલો કરી તેને ગળું દબાવી તથા માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાથી ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
Panchmahal: બંને આરોપી ભાઈઓની ધરપકડ
પરિવારના સભ્યોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા શહેરા પોલીસ (Shehra Police) તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. 112 જનરક્ષક વાન (112 Emergency Van) ની ટીમે સતર્કતા દાખવીને ટેકનિકલ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ બંને આરોપી ભાઈઓને ઝડપી પાડ્યા હતા. શહેરા પોલીસ મથકે બંને આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લગ્નના વધામણાં કરવાને બદલે મિનેશની અર્થી ઉઠતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: કોંગ્રેસ હાઇકમાન્ડે કર્ણાટક નેતૃત્વ પરિવર્તનની અટકળો પર લગાવ્યો પૂર્ણવિરામ


