ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

"Shri Vajpayee Bankable Scheme": કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો માટે આશીર્વાદ

કારીગરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવીને તેઓ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારની યોજના
12:17 PM Feb 11, 2025 IST | Kanu Jani
કારીગરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવીને તેઓ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારની યોજના

"Shri Vajpayee Bankable Scheme" રાજ્ય સરકાર દ્વારા અમલી આ  બેંકેબલ યોજના અંતગર્ત ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૭૪ હજાર કરતાં વધુ કુટિર, ગ્રામોદ્યોગ, હાથવણાટ અને હસ્તકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને રૂ. ૬૩૪ કરોડની માતબર રકમની સબસીડી સહાયરૂપે આપવામાં આવી છે. આ કારીગરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવીને તેઓ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જે અંતર્ગત કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કારીગરોને સક્ષમ બનાવી, તેમની આવકમાં વધારો કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ “શ્રી વાજપાઈ બેંકેબલ યોજના” "Shri Vajpayee Bankable Scheme" આશીર્વાદરૂપ બની છે.

કુલ ૭૪ હજાર કરતાં વધુ લાભાર્થીઓ

રાજ્ય સરકાર દ્વારા અમલી આ યોજના અંતગર્ત વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૩,૬૫૯ લાભાર્થીઓને રૂ. ૧૯૭.૫૩ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૮,૦૪૯ લાભાર્થીઓને રૂ. ૨૩૨.૭૪ કરોડ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી માસ સુધીમાં ૨૩,૦૭૭ લાભાર્થીઓને રૂ. ૨૦૪.૪૦ કરોડની એમ કુલ ૭૪ હજાર કરતાં વધુ લાભાર્થીઓને રૂ. ૬૩૪ કરોડથી વધુ સબસીડી સહાયનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાની સફળતાને જોતાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત તથા રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં લોન્ચ કરવામાં આવેલી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ – ૨૦૨૪ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે લોન રકમની મર્યાદા રૂ. ૮ લાખથી વધારીને રૂ. ૨૫ લાખની કરવામાં આવી છે. જ્યારે મહત્તમ સબસીડીની મર્યાદા રૂ. ૧.૨૫ લાખથી વધારીને રૂ. ૩.૭૫ લાખ કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ આવક મર્યાદાઓનો બાધ નથી

“શ્રી વાજપાઈ બેંકેબલ યોજના” હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના બેરોજગાર યુવાન-યુવતીઓને સ્વરોજગારી પુરી પાડવાના ઉમદા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત, સહકારી, પબ્લિક સેક્ટર તેમજ ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન-સહાય આપવામાં આવે છે. વધુમાં ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ યુવાન-યુવતીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે ૧૮ થી ૬૫ વર્ષના કારીગરોએ ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ કરેલું હોવું જોઈએ અથવા વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ અથવા વારસાગત કારીગર હોવા જરૂરી છે. વધુમાં આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ આવક મર્યાદાઓનો બાધ નથી. રાજ્ય સરકાર દ્વારા કારીગરોને ઉદ્યોગ, સેવા તેમજ વેપાર ક્ષેત્ર માટે હાલ મહત્તમ રૂ. ૮ લાખ સુધીની લોન, જેમાં રૂ. ૧.૨૫ લાખ જેટલી મહત્તમ સબસીડી પણ આપવામાં આવે છે.

રાજ્યના વધુમાં વધુ કારીગરો પારદર્શિતા સાથે “શ્રી વાજપાઇ બેંકેબલ યોજનાનો” મહત્તમ લાભ લઈ શકે અને અરજી કરવામાં અનુકુળતા રહે તે માટે તેને ઓનલાઈન કરવામાં આવી છે. વેબસાઇટ www.blp.gujarat.gov.in પર ક્લિક કરીને લાભાર્થીઓ આંગળીના ટેરવે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ લઇ શકે છે, એમ કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો-સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક ડખો! પક્ષવિરોધી પ્રવૃત્તિઓ વધતા શરૂ કરી કડક કાર્યવાહી

Tags :
"Shri Vajpayee Bankable Scheme"
Next Article