પાલનપુરની છ વર્ષની નિક્ષા બારોટએ 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક પર ત્રિરંગો લહેરાવ્યો
અહેવાલ -સચિન શેખલીયા પાલનપુરની છ વર્ષની નિક્ષા બારોટ એ ભર શિયાળાની કડકડતી ઠંડીમાં બરફ વર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક સર કરી ત્રિરંગો લહેરાવ્યો છે. લોકલ માર્કેટમાં વોટર પ્રુફ શૂઝ ન મળવા છતાં હિંમત હાર્યા વગર બાળકી ઠંડી સહન...
04:47 PM Dec 03, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ -સચિન શેખલીયા
પાલનપુરની છ વર્ષની નિક્ષા બારોટ એ ભર શિયાળાની કડકડતી ઠંડીમાં બરફ વર્ષા વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ કેદારકંઠા ટ્રેક સર કરી ત્રિરંગો લહેરાવ્યો છે. લોકલ માર્કેટમાં વોટર પ્રુફ શૂઝ ન મળવા છતાં હિંમત હાર્યા વગર બાળકી ઠંડી સહન કરી કપરા ચઢાણ ચઢી હતી. માત્ર ચાર વર્ષની ઉંમરથી જ ટ્રેકિંગ શરૂ કરનાર નિક્ષાએ અત્યાર સુધી અનેક વખત માઉન્ટના જંગલોમાં ટ્રેકિંગ કરવા ઉપરાંત અરવલ્લીના કેદારનાથ સહિતના પહાડો સર કર્યા છે. બાળકીના પિતા બાળકોના ઘડતર માટે નેચર સ્ટડી કાર્યક્રમો કરે છે. અત્યાર સુધી 10 હજારથી વધુને નેચર સ્ટડી કરાવી છે. હવે પોતાની દીકરીને નાની ઉમરમાં મેડલ અપાવવા મથામણ કરી રહ્યો છે.
પાલનપુરની સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલમાં યુકેજીમાં અભ્યાસ કરતી છ વર્ષની નિક્ષાએ અત્યંત કપરી ચડાઈ મનાતી કેદારકંઠા ટોપ સર કર્યો છે. કેદારકંઠા ફોરેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર વિન્ટર ટ્રેકમાં છ વર્ષની આયુમાં ટ્રેક સર કરનાર નિક્ષા પહેલી છે. તેના પિતા નિલેશ બારોટ એડવેન્ચર ટ્રેનર છે, અત્યાર સુધી તેઓ 10,000થી વધુ લોકોને નેચર સ્ટડી અંતર્ગત તાલીમ આપી ચૂક્યા છે.
નિલેશ બારોટએ જણાવ્યું કે " દહેરાદૂન થી આઠ કલાકની મુસાફરી કરીને સાંકરી પહોંચ્યા હતા. જ્યાંથી સવારે 9 વાગ્યે ચઢવાની શરૂઆત કરી. સાંજે જુડોના તળાવ પ્રથમ કેમ્પ પર રોકાણ કર્યું. બીજા દિવસે વહેલી સવારે 5 વાગે ફરી ચાલવાનું શરુ કર્યું જ્યાં અડધે પહોંચતા જ સવારે 9 થી 10 વચ્ચે ભારે હિમવર્ષા થઈ, નિક્ષાના બુટમાં બારીક કાણા હતા જે અંદરથી ભીના થઈ રહ્યા હતા અમે તેની ઉપર પહેલા મીણબત્તી લગાવી દીધી કે જેથી પાણી ન જાય. તેમ છતાં અંદર પાણી જવા લાગ્યું. તેના પગ રીતસર ઠંડીમાં કાંપવા લાગ્યા. તેમ છતાં તે હિંમત હારી નહીં. મેં બેગમાંથી સુકા લાકડા કાઢ્યા અને ફાયર કરી થોડી ગરમી મળે તેવું કર્યું. અને થોડીવાર પછી ફરી ચડાઈ શરૂ કરી અને 11 વાગ્યા સુધીમાં ટોપ પર પહોંચી ગયા".
"જ્યાં મેં નિક્ષા સાથે ભારતની આન બાન અને શાન સમાન ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રગીત ગાયું અને અડધો કલાક ઉપર રોકાઈ પરત 14 kmનો અત્યંત ફાસ્ટ ટ્રેક એક જ વારમાં ઉતરી ગયા. મને ગૌરવ છેકે આટલી નાની ઉમરમાં અને એપણ વિન્ટરમાં આ શક્ય બન્યું. ટ્રેકિંગમાં ગયા પહેલા તૈયારીમાં રનીંગ સ્પોર્ટ્સ તેમજ સ્થાનિક ગબ્બર પર્વતની વારંવાર ચડાઈનો મહાવરો કેળવ્યો હતો. જોકે તે ચાર વર્ષની ઉંમરથી જ માઉન્ટ આબુ જંગલ ટ્રેકિંગ, અરવલ્લીના જેસોર પહાડ પરનું ટ્રેકિંગ સહિત નાના-મોટા પર્વત સહેલાઈથી ચડી જાય છે. અમે બાળપણથી જ તેને ટ્રેઇન એવી રીતે કરી છે કે તેને કોઈ થાક ના લાગે."
Next Article