પદ્મશ્રી ડો. અગુસ ઇન્દ્રા ઉદયનજી દ્વારા Gokuldham Nar ખાતે પ્રોસ્થેટિક લિમ્બસ સેવાકાર્યની વિશેષ મુલાકાત
- પદ્મશ્રી ડો.અગુસ ઇન્દ્રા ઉદયનજી સ્વામિનારાયણ ગોકુલધામ, નારની શુભેચ્છા મુલાકાતે (Gokuldham Nar)
- પ્રોસ્થેટિક લિમ્બસ સેવા કાર્યને પ્રત્યક્ષ જોઈને આનંદ વ્યક્ત કર્યો
- અમે પણ ઇન્ડોનેશિયામાં આ પ્રકારના કાર્યને આગળ વધારવા માટે કાર્યશીલ રહીશું : પદ્મશ્રી ડો. અગુસ ઇન્દ્રા ઉદયનજી
- ઇન્ડોનેશિયા, બાલીનાં વતની ડો. અગુસ ઇન્દ્રા ઉદયનજીને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા
સ્વામિનારાયણ ગોકુલધામ નાર (Swaminarayan Gokuldham Nar) દ્વારા સમાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને આરોગ્યની સેવાઓ છેવાડાનાં વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. વર્ષ 2021 થી સંસ્થા દ્વારા દિવ્યાંગજનો માટે હાઇટેક પ્રોસ્થેટિક લિમ્બસ (કૃત્રિમ હાથ-પગ) ની સેવા કાર્યરત છે, જે સેવાનો લાભ દેશભરનાં અનેક દિવ્યાંગજનો લઈ રહ્યા છે.
સ્વામિનારાયણ ગોકુલધામ નાર માનવસેવા ક્ષેત્રમાં પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે : પદ્મશ્રી ડો. અગુસ ઇન્દ્રા ઉદયનજી
આ મહત્ત્વપૂર્ણ અને અસ્મરણિય સેવાને વૈશ્વિક સ્તરે બિરદાવવા માટે અને તેને પ્રત્યક્ષ જોવા માટે ઇન્ડોનેશિયા, બાલીનાં વતની અને ભારત સરકારે જેઓને વર્ષ 2020 માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે તેવા પદ્મશ્રી ડો. અગુસ ઇન્દ્રા ઉદયનજી (Padma Shri Dr. Agus Indra Udayanaji) સ્વામિનારાયણ ગોકુલધામ, નારની શુભેચ્છા મુલાકાતે આવ્યા છે. આ અવસરે, પદ્મશ્રી ડો. અગુસ ઇન્દ્રા ઉદયનજીએ પ્રોસ્થેટિક લિમ્બસ સેવા કાર્યને પ્રત્યક્ષ જોઈને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, ''સ્વામિનારાયણ ગોકુલધામ નાર માનવસેવાનાં ક્ષેત્રમાં અનમોલ અને પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. આ સેવા સમાજનાં દરેક વર્ગ માટે પ્રેરણા બની રહી છે, અને અમે પણ ઇન્ડોનેશિયામાંઆ પ્રકારના કાર્યને આગળ વધારવા માટે કાર્યશીલ રહીશું.''
પ્રાણીઓ, પક્ષીઓ, પ્રકૃતિના રક્ષણ સાથે માનવ સમાજને ટેકો આપવાનું કાર્ય
આ પ્રસંગે ફાર્મા હર્બલ કંપનીનાં અધિકારીઓ અને ગોકુલધામ નારનાં સ્વપ્નમુદ્રષ્ટા પ.પૂ શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને પ.પૂ. હરિકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિ વિશેષ રહી હતી, જેમણે આ સેવાકાર્યને વધુ મહત્ત્વપૂર્ણ બનાવ્યું. નોંધનીય છે કે, સમાજનાં વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને તેમની આવશ્યક જરૂરિયાતોથી વાકેફ કરવા અને તેમની પરિપૂર્ણતા સુનિશ્ચિત કરવાનાં હેતુ સાથે સ્વામિનારાયણ ગોકુલધામ પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રકૃતિનું રક્ષણ કરવાની સાથે-સાથે માનવ સમાજને ટેકો આપવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.
જાણો સ્વામિનારાયણ ગોકુલધામ નાર વિશે :
આણંદ (Anand) જિલ્લાનાં પેટલાદ તાલુકામાં તારાપુર-ધર્મજ હાઇવે પર વર્ષ 2004 માં 22 એકરમાં સેવા સદનોનાં નિર્માણથી સ્વામિનારાયણ ગોકુલધામ નારની (Swaminarayan Gokuldham Nar) શુભ શરૂઆત થઈ હતી. ભવ્ય પ્રવેશ દ્વાર પર 108 ફૂટ ઊંચાઈવાળો રાષ્ટ્રધ્વજ છે. જે રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતાને પ્રકટ કરે છે. ગોકુલધામ પરિસર પ્રકૃતિને સમર્પિત છે. પરિસરમાં 227 થી વધુ અંદાજે 4200 થી પણ વધુ વૃક્ષ, છોડ, જડીબુટ્ટી, ફલ-ફૂલ છે, જે 22 હજારથી પણ વધુ પશુ-પક્ષીઓનો આશ્રય સ્થાન છે. વર્ષ 2007 થી પરિસરમાં બનેલ પક્ષીતીર્થ પ્રકૃતિ રક્ષણનાં સંદેશને પ્રસારિત કરી રહ્યું છે. અહી, શ્રીજી ઐશ્વર્યધામ આસ્થાનું પરમ કેન્દ્ર સ્થાન છે. અહી, ભક્તિ, સત્સંગ, પ્રાર્થના, ભજન, કથા, પ્રવચન, ધ્યાન, યોગ અને શિબિરનું આયોજન કરાય છે.
યજ્ઞશાળા, સંતો માટે સંત નિવાસ અને બાળકો માટે શાળા કાર્યરત
સ્વામિનારાયણ ગોકુલધામ નારમાં વર્ષ 2018 માં યજ્ઞશાળા સ્થાપિત કરવામાં આવી હતી, જે અષ્ટકોણીય, ગજપીઠ રૂપ આધ્યાત્મિક ઋષિ સંત અને ભારતીય સંઘ પ્રતિમાઓથી જીવન સંદેશ પ્રેરિત કરે છે. સ્વામિનારાયણ ગોકુલધામ નારમાં સંત નિવાસ આવેલું છે, જે ગોકુલધામ કેમ્પસનું (Gokuldham Campus) મુખ્ય મોરપીંછ છે. સાદગી, સેવા અને સમર્પણનાં ત્રિવેણી સંગમ સમાન આ પરિસરમાં તમામ સંત અને સાધક અધ્યાત્મના આરાધક છે. અહીં, આવેલ શાળામાં ભારતીય વૈદિક ગુરુકુળ સંસ્કૃતિ અને અવાર્ચીન વૈજ્ઞાનિક પદ્ધતિનો સુલભ સમન્વય છે. KG થી ધો. 12 સુધી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ વર્ષ 2008 થી કાર્યરત છે.
પ્રિ-સ્કૂલ, છાત્રાલય, ભક્તિ સેવાશ્રમ (વૃદ્ધાશ્રમ)
સ્વામિનારાયણ ગોકુલધામ નારમાં ધનશ્યામ પ્રિ-સ્કૂલ પણ આવેલ છે, જ્યાં નર્સરીથી ધો. 2 સુધીનાં બાળકો માટે કૌશલને વિકસિત કરતા રમકડાં, મોડ્યૂલર ફર્નિચર છે. બાળકોમાં સોશિયલ સ્કીલ, આત્મવિશ્વાસમાં વધારો અને ટીમવર્કનું નિર્માણ કરવામાં આવે છે. અહીં, વિદ્યાર્થીઓ માટે છાત્રાલાયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યસ્ક જન્મની સેવા હેતું સ્વામિનારાયણ ગોકુલધામ નારમાં વર્ષ 2007 માં ભક્તિ સેવાશ્રમ (વૃદ્ધાશ્રમ) નો પ્રારંભ થયો. જ્યાં વર્ષ 2022 સુધી 135 વરિષ્ઠ નાગરિકોની સેવા કરવામાં આવી છે. સ્વામિનારાયણ ગોકુલધામ નારમાં (Swaminarayan Gokuldham Nar) અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આરો પ્લાન્ટ પણ છે, વર્ષ 2008 થી 22 થી વધુ સરકારી શાળાઓનાં 7 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક મિનિરલ વોટરનો લાભ આપવામાં આવી રહ્યો છે.
ગૌશાળા, વિશાળ ભોજનાલય, 16 વર્ષથી સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન
સ્વામિનારાયણ ગોકુલધામ નારમાં વર્ષ 2006 થી શ્રી ગૌપદ ગીર ગૌશાળા આકર્ષણનું કેન્દ્ર રહી છે. અહીં, આવેલ વિશાળ ભોજનાલયમાં બનતા ભોજનનો ઉપયોગ હોસ્પિટલમાં નિ:શુલ્ક ટિફિન સેવા માટે પણ કરવામાં આવે છે. 23 માર્ચ, 2018 થી નજીકનાં વિસ્તારોમાં આવેલ સરકારી અને ચેરિટી હોસ્પિટલોમાં ઇન્ડોર દર્દીઓને નિ:શુલ્ક પૌષ્ટિક ભોજન પ્રસાદ આપવાની સેવા કરવામાં આવી રહી છે. અહીં, અતિથિ ભવનમાં યાત્રીઓને ઉત્તમ વ્યવસ્થા પ્રદાન કરાય છે. સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન પણ કરાય છે. છેલ્લા 16 વર્ષમાં 21 સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જે થકી 457 નવદંપતી ગૌરવાન્વિત થયા છે. સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા 'હોસ્પિટલ એટ યોર ડોર' (એમ્બ્યુલન્સ, ક્લિનિક) ની સેવા પણ આપવામાં આવે છે. આ સેવા વર્ષ 2017 થી કાર્યરત છે, જે હેઠળ નજીકનાં ગામડાઓમાં નિ:શુક્લ સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવામાં આવે છે.
કોરોના કાળમાં માનવસેવા, હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્સ ડિસ્ટ્રીબ્યુશન
સ્વામિનારાયણ ગોકુલધામ નાર (Swaminarayan Gokuldham Nar) દ્વારા કોરોના કાળ (CORONA) દરમિયાન કોવિડ 19 રિલિફ સેવા હેઠળ 20 કિલોનાં 7525 કિરાણા કિટ અને 52 હજાર ફેસ માસ્ક અને 200 PPE કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા અનાવનવાર આઈ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. 'હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્સ ડિસ્ટ્રીબ્યુશન' હેઠળ સંસ્થા દ્વારા 813 લોકોને પ્રોસ્થેટિક હાથ અને પગ આપવામાં આવ્યા છે. ઉપરાંત, સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને ફૂટવેર, બ્લેંકેટ-જેકેટ, વિધવા મહિલાઓ માટે સિલાઈ મશીન, દિવ્યાંગજનો માટે ટ્રાઇસિકલ, વૃદ્ધોને વોકિંગ સ્ટીક, મહિલાઓ-દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવે છે.