સંજેલી નગરમાં રખડતા ઢોરોનો આતંક! એક મહિલાને ફંગોળતા ઈજાઓ પહોંચી
- Sanjeli માં રખડતા ઢોરનો આતંક
- બસ સ્ટેશન પાસે ઢોરનો હુમલો, મહિલા ઇજાગ્રસ્ત
- એક અઠવાડિયામાં બે હુમલા, લોકોમાં ભય
- કચરાના ઢગલાથી ઢોરનો અડ્ડો, તંત્ર નિષ્ક્રિય
Sanjeli : સંજેલી નગરમાં બસ સ્ટેશન નજીક છેલ્લા કેટલાક દિવસોથી કચરાના ઢગલાના કારણે રખડતા ઢોરોનો અડ્ડો જામી ગયો છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે મુશ્કેલી અને ભયનો માહોલ સર્જાયો છે. નજીકમાં જ બસ સ્ટેશન, મંદિર અને શાળા જેવા જાહેર સ્થળો આવેલા હોવાથી લોકોની અવરજવરના મુખ્ય માર્ગ પર કચરાના ઢગલા અને પશુઓના અડિંગાથી હાલાકી વધી ગઈ છે. ત્યારે આ જ વિસ્તારમાંથી ચાલીને જઈ રહેલી એક મહિલાને એક આખલાએ અડફેટે લીધો હતો અને ફંગોળી દેતા મહિલા જમીન પર પટકાઈ હતી. આ ઘટનામાં મહિલાને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સંજેલી ખાતે ખસેડવામાં આવી હતી.
એક અઠવાડિયામાં બીજી ઘટના
આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, માત્ર એક અઠવાડિયા પહેલા પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં શાળાએ જઈ રહેલા વિદ્યાર્થીઓને રખડતા ઢોરોએ અડફેટે લીધા હતા. વારંવાર બનતી આ ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આજે ફરી એક મહિલા ઈજાગ્રસ્ત થતાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.
રખડતા પશુઓનો વધતો આતંક
સંજેલી નગરમાં છેલ્લા થોડા સમયથી રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. નગરના ઠેર ઠેર રખડતા ઢોરના અડિંગાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પશુઓના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે અથવા પશુઓ રાહદારીઓને અડફેટે લઈને ઘાયલ કરે છે. સ્થાનિકોનું માનવું છે કે, તંત્ર જાણે કોઈના જીવ જવાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિકોની તાત્કાલિક કાર્યવાહીની માંગ
સ્થાનિક નાગરિકોની મુખ્ય માંગ છે કે, ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે બસ સ્ટેશન નજીકના કચરાના ઢગલાને અહીંથી હટાવવામાં આવે, જેથી આ સ્થળ રખડતા પશુઓનો અડ્ડો ન બને. આ સાથે જ, નગરમાંથી રખડતા પશુઓને પકડવા માટેની કાર્યવાહી પણ સત્વરે હાથ ધરવામાં આવે. હાલ સંજેલી નગરમાં રખડતા પશુઓના કારણે સ્થાનિકો ભારે હેરાન-પરેશાન જોવા મળી રહ્યા છે.
સાબિર ભાભોર, દાહોદ
આ પણ વાંચો : Jamnagar: JCCC હોસ્પિટલ ફરી વિવાદમાં,દર્દીને હાર્ટ એટેક આવ્યાનું કહીને લાખો રૂપિયા પડાવ્યા