Mockdrill: ગોંડલ સેન્ટમેરી સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી મળતા વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ, બૉમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી
- Mockdrill: સ્કૂલમાં બોમ્બ હોવાની અફવા ફેલતા વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા
- બોમ્બની માહિતી મળતા તંત્ર હરકતમાં, ફાયર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે
- બોમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ સાથે ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી
- વહીવટીતંત્રએ આખરે મોકડ્રીલ જાહેર કરી
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલ સેન્ટમેરી સ્કૂલમાં આજે સવારે ચાલુ સ્કૂલ દરમ્યાન શાળામાં બોમ્બ હોવાની સ્કૂલ સંચાલકને માહિતી મળતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી તંત્રને બૉમ્બ અંગેની જાણ કરવામાં આવી હતી. બોમ્બની માહિતી મળતા પોલીસ, ફાયર ટીમ, ડોગ સ્ક્વોડ, બૉમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ(BDS) સહિતનું તંત્ર હરકતમાં આવી ઘટના સ્થળે દોડી ગયું હતું. વહીવટી તંત્ર દ્વારા શાળા પરિસરમાં દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીને પગલે શાળાના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને આસપાસના સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ સાથે નાસભાગ મચી જવા પામી હતી.
વહીવટીતંત્રએ આખરે Mockdrill જાહેર કરી
તંત્રને સઘન તપાસના અંતે કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી ન હતી. તપાસ પૂર્ણ થયા બાદ, વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે આ એક મોકડ્રિલ હતી. જેનો ઉદ્દેશ્ય સંભવિત કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદ ક્ષમતાને ચકાસવાનો હતો. મોકડ્રિલ હોવાની જાહેરાત થતા જ ઉપસ્થિત સૌએ હાશકારો અનુભવ્યો હતો.
Mockdrill નું સફળ આયોજન વહીવટીતંત્ર દ્વારા કરાયું હતું
મોકડ્રિલ ને સફળ બનાવવા માટે ગોંડલ મામલતદાર ડી.ડી. ભટ્ટ, આર.બી. ડોડીયા, નગરપાલિકા ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, નાયબ મામલતદાર મનીષભાઈ જોશી, ગોંડલ શહેર PI જે.પી. રાવ, PSI, SOG PI એફ.એ.પારગી, LCB બ્રાન્ચ સહિતનો પોલીસ સ્ટાફ અને ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ, ડોગ સ્ક્વોડ, બૉમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ(BDS) સહિતની વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે આવી કોઈ ઘટના બને તો ગભરાવું નહીં અને શાંતિપૂર્વક કઈ રીતે તંત્રને માહિતગાર કરવું. આ શૈક્ષણિક અને જાગૃતિલક્ષી પહેલ બદલ સેન્ટ મેરી સ્કૂલના સંચાલકો દ્વારા સમગ્ર વહીવટી તંત્રનો આભાર માનવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં નવા 17 તાલુકાની જાહેરાત પર કોંગ્રેસના ડૉ. મનીષ દોશીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું....