Surat: ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને સંચાલકો આમને સામને
- વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા LC પકડાવી દેવાની ધમકી આપતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા
- અમારા તરફથી એલસી પકડાવી દેવાની કોઈ આવી ધમકી આપવામાં આવી નથી:શાળા સંચાલકો
- આ મામલો જિલ્લા શિક્ષણ અધિકારી માટે એક તપાસનો વિષય બન્યો છે
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ મેળવનારા 7 જેટલા વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા LC પકડાવી દેવાની ધમકી આપતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા છે. જોકે વાલીઓના આક્ષેપો શાળા સંચાલકોએ ફગાવી દીધા છે. શાળા સંચાલકોએ વાલીઓના આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે વાલીઓએ જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા તેનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું. જેમાં વાલી મહિને 30,000 રૂપિયાનો પગાર ધારક અને વિદેશ પ્રવાસ પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. એટલું નહીં પરંતુ પોતે મકાન ધારક અને ઘરોમાં એસી સહિતની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જે અંગેનો રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કરવામાં આવ્યો છે. અમારા તરફથી એલસી પકડાવી દેવાની કોઈ આવી ધમકી આપવામાં આવી નથી.
બાળકો જોડે પણ શાળામાં ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે: વીલાઓ
અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકા ભવન શાળામાં ધોરણ-1માં સાત જેટલા વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં છ મહિના પહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જોકે હવે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના એડમિશન રદ થયા હોવાનું કહી એલસી પકડાવી દેવાની ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓના વાલીઓએ કર્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા વાલીઓએ ગંભીર આક્ષેપ અડાજણની ભૂલકા ભવન શાળાના સંચાલકો સામે કર્યા છે. વાલી સોનલ રાઠોડ અને નિકુલ સોનાગરે જણાવ્યું હતું કે, હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. આવી મોંઘવારી વચ્ચે બાળકોના રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત અડાજણની ભૂલકા ભવન શાળામાં બાળકોના એડમિશન કરાવ્યા હતા. સરકારના કાયદા અંતર્ગત બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે અગાઉ RTEના ફોર્મ ભર્યા હતા. જે બાદ અડાજણની ભૂલકા ભવન શાળામાં નંબર લાગતા બાળકોના એડમિશન કરાવ્યા હતા.
RTE કાયદા મુજબ જે કોઈપણ પુરાવા માંગ્યા હતા તે તમામ પુરાવા સહિતની હકીકત વાલીઓ તરફથી ફોર્મમાં ભરવામાં આવી
RTE કાયદા મુજબ જે કોઈપણ પુરાવા માંગ્યા હતા તે તમામ પુરાવા સહિતની હકીકત વાલીઓ તરફથી ફોર્મમાં ભરવામાં આવી હતી. કોઈપણ હકીકત વાલીઓ દ્વારા છુપાવવામાં આવી નહોતી.પરંતુ હવે શાળાના સંચાલકો દ્વારા એકાએક બાળકોના એડમિશન રદ થયા હોવાની જાણ વાલીઓને કરવામાં આવી છે.એટલું નહીં પરંતુ શાળામાંથી એલસી લઇ જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. બાળકો જોડે પણ શાળામાં ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વાલીઓ પોતાના બાળકોને અધ્ધ વચ્ચે કઈ શાળામાં એડમિશન અપાવે તેની ચિંતા સતાવી રહી છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન આપતી વખતે તમામ બાબતોનું ક્રોસ વેરીફિકેશન અને ચકાસણી જે તે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.પરંતુ હવે એકાએક છ માસ બાદ બાળકોના એડમિશન રદ થયા હોવાથી એલસી લઈ જવા માટે શાળા સંચાલકો તરફથી વાલીઓ પર દબાણ કરાઈ રહ્યું છે.
વાલીઓએ કરેલા ગંભીર આક્ષેપોના પગલે શાળા સંચાલકોનો પણ મત જાણવાનો પ્રયાસ કરાયો
વાલીઓએ કરેલા ગંભીર આક્ષેપોના પગલે શાળા સંચાલકોનો પણ મત જાણવાનો પ્રયાસ કરાયો હતો.અડાજણની ભૂલકા ભવન શાળાના સંચાલકો સામે જે પ્રમાણેના આક્ષેપ વાલીઓએ કર્યા હતા તે અંગે શાળા સંચાલકોએ આક્ષેપોને ફગાવી દીધા હતા. અડાજણની ભૂલકા ભવન શાળાના પ્રમુખ મીનાક્ષી દેસાઈ અને આચાર્ય સુમન દેસાઈએ વાલીઓના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે,અમારા તરફથી કોઈ LC આપી દેવાની ધમકી આપી નથી.વાલીઓએ પાયા વિહોણા આક્ષેપ કર્યા છે.અમારા તરફથી 11 ફાઈલો DEO ઓફિસે મોકલવામાં આવી હતી.જેમાં DEO તરફથી કેટલાક RTE હેઠળ એડમિશન રદ કરવાનો હુકમ કર્યો છે. શાળા તરફથી ક્રોસ તપાસ કરવામાં આવી હતી.જેમાં વાલીઓની વાર્ષિક આવક 1.5 લાખ થી વધુ હોવાનું સામે આવ્યું. વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો છે.
આ પણ વાંચો: Himmatnagar બાળ તસ્કરીને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ
વાલીઓ દર મહિને ઓટોરિક્ષાનું રૂ.2000 જેટલું ભાડું ચૂકવે છે
વાલીઓ દર મહિને ઓટોરિક્ષાનું રૂ.2000 જેટલું ભાડું ચૂકવે છે. જે અંગે ઓટો રીક્ષા ચાલકોના સ્ટેટમેન્ટ પણ શાળા દ્વારા લેવામાં આવ્યા છે.સરકાર અમોને બાળકોના ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પેટે વાર્ષિક 13 હજાર ચૂકવે છે.વાલીઓના ઘરે તપાસ કરતા ઘરોમાં એસી મળી આવ્યા છે. વાલીઓ ત્રણ માળના પાકા મકાનો ધરાવે છે. વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે.અલગ બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ આપવામાં આવી છે.જે બેંક એકાઉન્ટનું ક્રોસ વેરિફિકેશન કરતા અનેક તૃટીઓ મળી આવી છે.જે અંગેનો રિપોર્ટ DEO ઓફિસને કરવામાં આવ્યો છે.જે રિપોર્ટના આધારે DEO ઓફિસ તરફથી વાલીઓને સાંભળવામાં આવ્યા છે.વાલીઓને સાંભળ્યા બાદ DEO ઓફિસ તરફથી એડમિશન રદ કર્યાનો આ હુકમ કરાયો છે.જેનો લેખિત પત્રની હજી વાટ જોવાઈ રહી છે.વિદ્યાર્થીઓ જોડે ઓરમાયું વર્તન કરાતું હોવાની વાત ખોટી છે.વાલીઓએ કરેલા તમામ આક્ષેપો ખોટા છે.
આ મામલો જિલ્લા શિક્ષણ અધિકારી માટે એક તપાસનો વિષય
મહત્વનું છે કે ગરીબ વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા RTE કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. જે કાયદા અંતર્ગત ગરીબ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. જે માટે આવા ગરીબ વર્ગના બાળકો ખાનગી શાળામાં મફત શિક્ષણ મળે તે માટેની વ્યવસ્થા સરકારે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત વ્યવસ્થા કરી આપી છે. આ કાયદાનો કેટલાક વાલીઓ ગેરલાભ પણ લેતા હોય છે. જ્યારે ક્યારેક શાળા સંચાલકો પણ ખોટા હોઈ શકે છે. જોકે અડાજણ વિસ્તારમાં સામે આવેલ આ વિવાદમાં શાળા સંચાલકો સાચા છે કે પછી વાલીઓ તે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી માટે એક તપાસનો વિષય બની રહે છે. પરંતુ બંને તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Suratમાં પાડોશી મહિલાની સતર્કતાના કારણે બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી