Surat: ઘર કંકાસ પહોંચી છેક હત્યા સુધી! પતિએ પત્નીની હત્યા કરી પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું
- ઘર કંકાસનો ઝઘડો હત્યા અને આપઘાતમાં પરિવર્તિત થયો
- ઝઘડાથી કંટાળીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
- આ સમગ્ર ઘટના મામલે ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી
Surat: સુરતમાં પતિ પત્ની વચ્ચે ચાલી આવેલ ઘર કંકાસનો ઝઘડો હત્યા અને આપઘાતમાં પરિવર્તિત થયો છે. જ્યાં પતિએ સૌપ્રથમ પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ હાથની નસ કાપી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના પગલે ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી
સુરત (Surat)ના ડીંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોસા બ્લિસ રેસીડેન્સીમાં રહેતા 53 વર્ષીય રતન ગુરુદાસ નીમજે એ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. પત્નીના પેટના ભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી ત્યારબાદ પોતાના હાથની નસ કાપી ગળે ફાંસો ખાઇ જીવન ચૂકાવી લીધું હતું. ગુરૂવારના રોજ બપોરના 12:00 વાગ્યાના સમય દરમિયાન ઘરે આવેલા રતન ગુરુદાસ નીમજેનો ઝગડો પોતાની પત્ની નંદાબેન જોડે થયો હતો. રતન ગુરુદાસ નીમજે હાલ કામ ધંધો ન કરતો હોવાના કારણે પત્ની નંદાબેન અવારનવાર તેની જોડે ઝઘડો કરી ઠપકો આપતા હતા. જે ઠપકાથી કંટાળી રતન નિમજે દ્વારા સૌપ્રથમ પોતાના પુત્રને કોલ કરી અને જણાવ્યું હતું કે, તારી માતા મને અવારનવાર માનસિક ત્રાસ આપે છે અને ઝઘડો કરે છે. જેથી હું કંટાળી તારી માતાની હત્યા કરી પોતે પણ આપઘાત કરી રહ્યો છું. તેમ કહી કોલ ક્ટ કરી નાખ્યો હતો.
આ પણ વાંચો: Gujarat માં ED નું મેગા સર્ચ ઓપરેશન, 23 સ્થળે દરોડા કરોડોની ટેક્સ ચોરીની આશંકા
પતિએ પોતાની પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો
નોંધનીય છે કે, કોલ કાપી નાખ્યા બાદ રતન નીમજે દ્વારા પત્ની નંદાબેન સાથે ઝઘડો કરી ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘરનો દરવાજો અંદરથી બંધ કરી નંદાબેનના પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકાયા હતા. જે ઘટનામાં નંદાબેનનું ઘરમાં જ કરુણ મોત થયું હતું. બીજી તરફ પત્નીની હત્યા કર્યા બાદ પતિ રતને પણ આપઘાત કરી લીધો હતો. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાના કારણે કોઈને ખ્યાલ પણ આવ્યો નહોતો કે બંને પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ કરુણ અંજામ લીધો છે અને પતિએ પોતાની પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો છે.
આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રતનની દીકરી સતત માતા પિતાને કોલ કરી રહી હતી. બંને માતા પિતા કોલ નહીં ઉપાડતા દિકરી ચિંતિત બની હતી. જ્યાં પાડોશીઓને આ બાબતની જાણકારી આપી હતી. બીજી તરફ પગલું ભરતા પહેલા રતને પુત્રને કોલ કર્યો હતો. જેથી પુત્ર પણ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવ્યો હતો. જોકે ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાના કારણે બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા બંને પતિ પત્નીની લાશો જમીન પર ઢડેલી મળી આવી હતી. જે જોઈ પુત્રના પગ તળેથી જમીન સરકી પડી હતી. જે બનાવવાની જાણકારી મળતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Gujarat: ગુજરાતમાં ઠગબાજો બેફામ! ત્રણ કરોડમાં ક્લાસ 1 અધિકારી બનાવવાની ડંફાસ
મોતના પગલે પરિવારજનો ઘેરાશોકમાં ગરકાવ
ડીંડોલી પોલીસ (Dindoli Police, Surat)ની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક રતન ગુરુદાસ નિમજે છેલ્લા ઘણા સમયથી બેકાર હતા અને પત્ની કામ ધંધા ન લઈ વારંવાર ટકોર કરતી હતી. જેથી બંને પતિ પત્ની વચ્ચે આ બાબતને લઈ વારંવાર ઝઘડો થતો હતો. જે ઝઘડાનો કાયમી કાંટો કાઢી નાખવા પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં પરંતુ પોતે પણ આપઘાત કરી લીધો હતો. બંને પતિ-પત્નીના મોતના પગલે પરિવારજનો ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રતન નીમજેનો પુત્ર ચૌટા બજાર વિસ્તારમાં ટીશર્ટ સહ કપડાનું વેચાણ કરે છે. જ્યારે દીકરી ઓફિસમાં નોકરી કરી પરિવારને મદદરૂપ બને છે. જ્યાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંને મૃતકોની લાશને પીએમ અર્થે સુરત (Surat) સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વનું છે કે, નીમજે પરિવારમાં બનેલી આ કરુણાન્તિકા પાછળ પારિવારિક ઝઘડો અને ઘર કંકાસ કારણ હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે ચાલી આવેલ ઘરકંકાસ બંને પતિ પત્નીને હત્યા અને આપઘાત સુધી લઈ ગયો હતો. જ્યાં બે સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. કહેવાય છે કે જે પરિવારમાં ઘર કંકાસ હોય તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે. જે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા નીમજે પરિવારના બે સભ્યોનો ભોગ ઘર કંકાસે લીધો છે. જેની પાછળ આર્થિક બેરોજગારી પણ હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: એકબાજુ સ્વચ્છતા અભિયાન બીજી તરફ કચેરી ગંદકીનું ઘર! કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના નામે મીંડું!