સુરત: 150 જેટલા મકાનોને ખાલી કરવા પાલિકાની નોટિસ, અસરગ્રસ્તોની કોંગ્રેસના આગેવાની હેઠળ વિરોધ
સુરત: સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ રુદરપુરા પોલીસ લાઇન વિસ્તારમાં રહેતા અસરગ્રસ્તોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. મહાનગરપાલિકાએ રુદરપુરા પોલીસ લાઇનમાં આવેલ 150 જેટલા મકાનોને ખાલી કરવાની નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં સરકારી જમીન પર પોલીસ સ્ટેશનની બનાવણી માટે જગ્યા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે 150 મકાનોને તાત્કાલિક બે દિવસના અલ્ટીમેટમ સાથે ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અસરગ્રસ્તોએ આ પ્રક્રિયાનો વિરોધ કરતાં પાલિકા પાસે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ખાલી કરાવવા પહેલાં તેમને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અથવા EWS આવાસમાં યોગ્ય રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ આગેવાની સંભાળી છે અને પાલિકા મુખ્ય કચેરીની બહાર અસરગ્રસ્તો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું છે, જેમાં સૂત્રોચાર પણ ગૂંજ્યા હતા.
અસરગ્રસ્તો અને કોંગ્રેસ કાર્યકરોએ દાવો કર્યો કે આવી ઝડપી કાર્યવાહી તેમના જીવન પર પ્રતિકૂળ અસર પડશે અને તેમના પુનવસન વગરની ખાલી કરવાની ક્રિયા અન્યાયપૂર્ણ છે. આ બધા વચ્ચે સ્થિતિને શાંત કરવા માટે પાલિકા અને સ્થાનિક પ્રશાસનની આગળની પ્રતિક્રિયા પર બધાની નજર ટકેલી છે.
અસરગ્રસ્તોએ કચેરીને ઘેરીને સરકાર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન સરકાર સામે હાય-હાયના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. અસરગ્રસ્તોએ પોતોની તરફથી અનેકવિધ રજૂઆતો કરી છે.
આ મકાનોમાં વર્તમાન સમયમાં અનેક પરિવારો રહી રહ્યાં છે, તો બીજી તરફ ચોમાસાના સમયમાં લોકોને તત્કાલ રીતે પોતાના નવા ઠેકાણા શોધવા ખુબ જ અઘરા પડી શકે છે. પરિવારોમાં નાના બાળકો સહિત વૃદ્ધોની સંખ્યા પણ નોંધપાત્ર હોવાનું જાણવા મળ્યું છે, તેવામાં પાલિકાએ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ.
ઉલ્લેખનિય છે કે, હાલમાં ગુજરાતમાં અનેક પરિવારોને ઘર-વિહોણા કરી દેવામાં આવ્યા છે. અમદાવાદથી લઈને અનેક મોટા શહેરોમાં પરિવારોને ઘર ખાલી કરવા માટે એકદમ શોર્ટ નોટિસ આપવામાં આવી હોવાના સમાચાર પહેલા પણ ચમકી ચૂક્યા છે. અમદાવાદ અને અંબાજીના કેસમાં તો ઘણા લોકોને નોટિસ પણ આપી નહતી અને તેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. આ રીતની તમામ કાર્યવાહીથી રાજ્યની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- VADODARA : શાળામાં નિયમિત આવવા માટે પ્રેરણા આપતી ‘હાજરી ચેમ્પિયન’ નામની નવી પહેલ