Surat: બાંધકામ કરવા નામાંકિત કંપનીની સિમેન્ટના ઉપયોગ કરનારા લોકો ચેતી જજો
- સુરતમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ પધરાવાનું કારસ્તાન
- અલ્ટ્રાટેક સિમેન્ટ (Ultratech Cement)ના નામે હલકી કક્ષાની સિમેન્ટનું વેચાણ
- ખટોદરા પોલીસે સિમેન્ટની 410 બોરી કરી જપ્ત કરાઇ
Gujaratમાં હવે ડુપ્લીકેટ સિમેન્ટ પધરાવવાનો ખેલ સામે આવ્યો છે. જેમાં સુરતમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ (Cement) પધરાવાનું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટનું વેચાણ થતુ હતુ. જેમાં ખટોદરા પોલીસે સિમેન્ટની 410 બોરી જપ્ત કરી છે. તેમજ અલ્ટ્રાટેક સિમેન્ટની બોરીમાં ભળતી કંપનીનો સિમેન્ટ આપી ખેલ પાડવામાં આવ્યો હતો.
નામાંકિત કંપનીઓના નામે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
પોલીસે રૂપિયા 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટ (Cement)નો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં ખટોદરા પોલીસે રાજેશ પટેલ સહિત બે લોકોની અટકાયત કરી છે. બાંધકામ કરવા નામાંકિત કંપનીની સિમેન્ટના ઉપયોગ કરનારા લોકો ચેતી જજો. જેમાં બજારમાં નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટ પધરાવવાનો ખેલ શહેરમાં ચાલી રહ્યાં છે. અગાઉ પણ રાજકોટમાંથી નામાંકિત કંપનીઓના નામે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતુ. જેમાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અલ્ટ્રા ટેક સિમેન્ટના નામે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવતા શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે આ ઈસમ પાસેથી ડુપ્લીકેટ સિમેન્ટ બનાવેલ જથ્થો પણ મળી આવ્યો હતો. આ તમામ વસ્તુઓને પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.
રાજેશ ચતુર પટેલ પાસે કોઈ પુરાવા મળી આવ્યા નહોતા
ખટોદરા પોલીસ મથક પાસેથી મળતી જાણકારી અનુસાર, મૂળ ભોપાલ મધ્ય પ્રદેશના વતની અને અલ્ટ્રાટેક કંપનીમાં ફરજ બજાવતા નિતીન નારાયણ ઠાકરે દ્વારા ખટોદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નિતીન ઠાકોરે જણાવ્યું હતું કે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ઉધના મગદલ્લા સ્થિત હિન્દુસ્તાન કાર્ટીંગ નામની દુકાનમાં રાજેશ ચતુર પટેલ અલ્ટ્રાટેક કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટનું વેચાણ કરે છે. અલ્ટ્રાટેક કંપનીની ડીલરશીપ ધરાવતા ન હોવા છતાં તેઓ આ સિમેન્ટનું કંપનીના નામે વેચાણ કરી રહ્યા છે. ખટોદરા પોલીસે નિતીન નારાયણ ઠાકરેની ફરિયાદના આધારે ઉધના મગદલ્લા રોડ પર આવેલા હિંદુસ્તાન કાર્ટિંગ નામની દુકાનમાં છાપો માર્યો હતો. જ્યાંથી 410 જેટલી અલ્ટ્રાટેક કંપનીના નામે રહેલી સિમેન્ટ ભરેલી બેગ મળી આવી હતી. ખટોદરા પોલીસે અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટ વેચવા અંગેની કોઈ ડિલરશીપ અથવા દસ્તાવેજી પુરાવા છે કે નહીં તેની તપાસ કરી હતી. પરંતુ રાજેશ ચતુર પટેલ પાસે આવા કોઈ પુરાવા મળી આવ્યા નહોતા. જેથી રાજેશ ચતુર પટેલ અલ્ટ્રાટેક કંપનીના નામે અન્ય કંપનીની સિમેન્ટનું વેચાણ કરી અલ્ટ્રાટેક કંપનીના ડિલરો અને સિમેન્ટનો ઉપયોગ કરતા ગ્રાહકો જોડે છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું.
410 જેટલી હલકી ગુણવત્તાની સિમેન્ટનો જથ્થો મળ્યો
ખટોદરા પોલીસ દ્વારા અલ્ટ્રાટેક કંપનીના સેલ્સ મેનેજર નિતીન નારાયણ ઠાકરેની ફરિયાદના આધારે રાજેશ ચતુર પટેલ સહિત સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર લંબુ નામના ઇસમ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ 1997 તેમજ ધી ટ્રેડમાર્ક એક્ટ 1999 ના નિયમોનું ભંગ કરવા બદલ BNS ની કલમ 318,(4),345(3), 349, 350 (1) તથા ધી કોપી રાઈટ એક્ટની કલમ 63 અને ટ્રેડમાર્ક એકટ 1999 ની કલમ 103 મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો. રાજેશ ચતુર પટેલના ગોડાઉન પરથી પોલીસે નામાંકિત કંપનીના નામે રહેલી 410 જેટલી હલકી ગુણવત્તાની સિમેન્ટનો જથ્થો પ્રાપ્ત કરી બંને ઇસમોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો:Kutchમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કારસ્તાન પકડાયું
અલ્ટ્રાટેક કંપનીના નામે ડુપ્લીકેટ સિમેન્ટનો જથ્થો ઝડપાયો
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જણાવ્યા પ્રમાણે ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, શહેરની ભાગોળે આવેલા ઘંટેશ્વર નજીકના 25 વારિયા ક્વાર્ટર નજીકના વાળામાં અલ્ટ્રાટેક કંપનીના નામે ડુપ્લીકેટ સિમેન્ટનો જથ્થો પડ્યો છે. જેના આધારે પોલીસે અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટ (Ultratech Cement) કંપનીના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડયો હતો. તેમજ અહીંથી ડુપ્લીકેટ સિમેન્ટના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ડુપ્લીકેટ સિમેન્ટના જથ્થા સાથે ઝડપાયેલ શખ્સનું નામ પ્રશાંત ચીમનભાઈ મારું છે, તેમજ તે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટેલિફોન એક્ષેચેન્જ નજીકની સોમનાથ સોસાયટીમાં રહે છે, અને રેતી અને કપચી વેચવાનો વ્યવસાય કરે છે. પોલીસે તેની પાસેથી 33 જેટલી ડુપ્લીકેટ અલ્ટ્રાટેક સિમેન્ટ ભરેલી થેલીનો જથ્થો, જ્યારે 80 અલ્ટ્રાટેક (Ultratech Cement) લખેલી ખાલી સિમેન્ટની થેલીઓ તેમજ પ્લાસ્ટિકની થેલીને સિલ કરવા માટેના ત્રણ સિલાઈ મશીન, એક વજન કાંટો સહિત કુલ રૂ.60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો: Aadhar Card : રાજ્યમાં રેકોર્ડ બ્રેક ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન'