Surat Rain : સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાનું તંત્ર યુદ્ધના ધોરણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
Surat Rain : અતિભારે વરસાદની આગાહી
વરસાદી માહોલમાં કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીના સમયે મદદ મળી રહે તે હેતુથી પાલિકા તંત્ર દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકોને કોઈપણ મુશ્કેલીના સમયે મદદ મેળવવા માટે હેલ્પલાઇન નંબર 9724346021 અથવા 0261-2451756 પર ત્વરિત સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. પાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.
અતિશય વરસાદમાં બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું.પાણી ભરાયેલા રસ્તાઓ, અંડરપાસ અને વહેતા પાણીના પ્રવાહોની નજીક જવું જીવલેણ બની શકે છે, તેથી તેનાથી દૂર રહેવું. તેમજ વીજળીના થાંભલા, જર્જરિત વૃક્ષો અને કાચા મકાનોથી સુરક્ષિત અંતર જાળવવું.
અનેક લોકોને કરાયા સ્થળાંતર
નીચાણવાળા વિસ્તારના રહીશોને પાણી ભરાવાની સ્થિતિમાં તાકીદે સુરક્ષિત 'સેન્ટર હાઉસ' માં સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. હવામાન સંબંધિત અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સ્ત્રોતો દ્વારા આપવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ રાખવો. સુરત તંત્ર નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે, પરંતુ જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે તંત્રની સૂચનાઓનું પાલન કરીએ અને સલામત રહીએ.
આ પણ વાંચો : Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં મેઘરાજાની જમાવટ ! સૌથી વધુ વાપીમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો