Surat: સરથાણામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, 5 લોકોને મારી ટક્કર, વાહનોનો કચ્ચરઘાણ
Surat Sarthana Accident: સુરતના સરથાણા વિસ્તારમાં આજે સાંજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નશામાં ધૂત એક કાર ચાલકે બેફામ ગતિએ કાર હંકારી બે બાઈક સવારોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક અને કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
Surat: શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં કાર ચાલકે રસ્તા પરથી પસાર થતી બે બાઈકોને જોરદાર ટક્કર મારી હતી. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માતને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં જોઈને આસપાસના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને પકડીને તેને 'મેથીપાક' ચખાડ્યો હતો.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ ઈજાગ્રસ્તોની સાથે કાર ચાલક પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી છે. નશામાં ધૂત કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ ઘટનાને પગલે સુરતના રસ્તાઓની સુરક્ષા અને ટ્રાફિકના નિયમોના પાલન અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: Navsari માં કરૂણ ઘટના, બંધ ગાડીમાં રમતા બે માસુમ બાળકોના શંકાસ્પદ મોત


