Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંચમહાલ : ઘરના છોકરા ઘંટી ચાટે... ઉપાધ્યાયને આંટો જેવી ગોધરા તાલુકાના ખેડૂતોની સ્થિતિ

પંચમહાલ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થવા ઉપરાંત અહીંના ખેડૂતોની મહામૂલી જમીન કેનાલ નિર્માણમાં ખેડૂતોએ આપી હોવા છતાં ગોધરા તાલુકાના ખેડૂતોના હાલ કાંઠે ઉભા રહીને તરસ્યા જેવા બેહાલ જોવા મળી રહ્યા છે. માત્ર નર્મદા કેનાલ માટે જ નહીં પાનમ કેનાલ...
પંચમહાલ   ઘરના છોકરા ઘંટી ચાટે    ઉપાધ્યાયને આંટો જેવી ગોધરા તાલુકાના ખેડૂતોની સ્થિતિ
Advertisement

પંચમહાલ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થવા ઉપરાંત અહીંના ખેડૂતોની મહામૂલી જમીન કેનાલ નિર્માણમાં ખેડૂતોએ આપી હોવા છતાં ગોધરા તાલુકાના ખેડૂતોના હાલ કાંઠે ઉભા રહીને તરસ્યા જેવા બેહાલ જોવા મળી રહ્યા છે. માત્ર નર્મદા કેનાલ માટે જ નહીં પાનમ કેનાલ માટે પણ ગોધરા તાલુકાના ટીંબા અને આજુબાજુના ગામના ખેડૂતોએ જમીન આપ્યા પછી આજે પણ સિંચાઈ સુવિધા વિના અહીંના ખેડૂતો ચોમાસા સિવાયની અન્ય બે ઋતુમાં ખેતી કરી શકતા નથી. અને કેનાલની આજુબાજુ આવેલી જમીન બંજર હાલતમાં પડી રહે છે.

આ વિસ્તારના ખેડૂતોએ સરકારમાં નર્મદા કેનાલમાંથી પાનમ કેનાલમાં બક નળી વડે પાણી ઠાલવવા માંગણી કરી છે. પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લેવામાં આવી નથી. જેથી અહીંના ખેડૂતો રોષભેર જણાવી રહ્યા છે કે અમારી જમીનમાં થઇ પાણી છેક કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી જઈ રહ્યા છે. ત્યારે અમને આ વહેતા પાણી નિહાળી એક જ વિચાર આવે છે કે અમે કેનાલના પાણીમાં કૂદકો મારી દઈએ કેમ કે આ પાણી અમારે કામ આવવાનું જ નથી. ઉલ્લેખનીય છે કે અહીંથી પસાર થતી પાનમની પેટા કેનાલ 20 વર્ષથી એમાં પાણી વહેવાની રાહ જોઈ રહી હોય એમ હવે તો ઝાડી ઝાંખરાના સામ્રાજયમાં લપેટાયેલી જોવા મળી રહી છે. અને આ કેનાલ ઉપરથી જ નર્મદા કેનાલ પણ પસાર થઈ રહી છે જેમાં ભરપૂર પાણી વહે છે અને પાનમ પેટા કેનાલ કોરી કટ છે.

Advertisement

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન માનવામાં આવતાં પાનમ ડેમમાંથી અંદાજીત 20 વર્ષ અગાઉ ગોધરા તાલુકાના ટીંબા અને આજુબાજુના ગામમાં ખેડૂતોને સિંચાઈ સુવિધા પૂરી પાડવા માટે મુખ્ય કેનાલમાંથી પેટા કેનલનું નિર્માણ કરાયું હતું. જેથી આ વિસ્તારના દશ ગામના ખેડૂતોમાં ખૂબ ખુશી વ્યાપી હતી. પરંતુ ખેડૂતોની તમામ આશાઓ ઠગારી નીવડી અને સિંચાઈ વિભાગ દ્વારા આ વિસ્તારને ટેલ વિસ્તાર જાહેર કરી દેવાયો જેથી ખેતરોમાં થઈ પસાર થતી કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની બિસમાર હાલતમાં ફેરવાઈ ગઈ. બીજી તરફ અહીંથી નર્મદાની મુખ્ય કેનાલનું નિર્માણ કાર્ય શરૂ થયું અને જેમાં ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત કરવામાં આવી. ત્યારે ખેડૂતોએ સહેજ પણ વિરોધ વિના પોતાની બચેલી અન્ય જમીનમાં સિંચાઈ માટે પાણી મળવાની આશાઓ સાથે સરકારે જે વળતર ચુકવ્યું એ સ્વીકારી જમીન આપી દીધી હતી.

Advertisement

પરંતુ અહીંના ખેડુતોની આ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું અને સિંચાઈ માટે પાણી મળી શક્યું નહી.બીજી તરફ અહીંના ખેડૂત પ્રતિનિધિઓએ સરકાર પાસે નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણીની માંગણી કરતાં સંલગ્ન વિભાગે તેઓનો વિસ્તાર પાનમ કમાન્ડ એરિયામાં આવતો હોવાનું જણાવ્યું હતું. જેથી ખેડૂતોએ પાનમ સિંચાઈ વિભાગે પોતાના વિસ્તારને ટેલ વિસ્તાર જાહેર કર્યો હોવાની હકીકતથી પુરાવા સાથે સરકારને રજૂઆત કરી નર્મદા કેનાલમાંથી બક નળી વડે પાનમની પેટા કેનાલમાં પાણી આપવા માટે માંગણી કરી હતી. જે માંગણી હજી પણ ટલ્લે ચઢેલી હાલતમાં જોવા મળી રહી છે.

ટીંબા ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે અમે નર્મદામાંથી સિંચાઈ માટે પાણી આપવા રજૂઆત કરી ત્યારે મુખ્યમંત્રીએ નર્મદા કેનાલ એ કેન્દ્ર સરકારની યોજના છે. જેથી તેઓ કોઈ નિર્ણય લઈ શકે નહીં એવું જણાવ્યું હતું. ત્યારે હવે અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે કે, હવે તો કેન્દ્ર સરકારમાં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન છે. જેથી અમારી નર્મદા કેનાલમાંથી સિંચાઈ પાણી આપવાની માંગણીનો નિકાલ લાવી આપવામાં આવે તો અહીંના ખેડૂતોની સતત આઠ મહિના સુધી પડતર રહેતી જમીનમાં સારી ખેતી કરી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવી શકે એમ છે.

આ પણ વાંચો - Panchmahal : ગોધરાના જહુરપુરા શાકમાર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - નામદેવ પાટિલ

Tags :
Advertisement

.

×