Ahmedabad : દારૂની ગાડીઓ લૂંટતા પોલીસવાળા સહિત અનેકની બદલી, નામ લીક થયાની ચર્ચા
Ahmedabad : પ્રિયાંશુ જૈન નામના આશાસ્પદ યુવાનની પોલીસવાળાએ નજીવી બાબતે હત્યા કરી હોવાની ચકચારી ઘટનાએ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) સહિત રાજ્યભરની પોલીસને શર્મસાર કરી દીધી છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે, ખુદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) ને મેદાનમાં ઉતરવું પડ્યું છે. ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan Gandhinagar) ખાતેથી મંગળવારે થયેલા એક હુકમમાં અમદાવાદના 13 પોલીસવાળાને શહેરમાંથી ઉઠાવીને જુદાજુદા જિલ્લાઓમાં મુકી દેવાયા છે. જિલ્લા ટ્રાન્સફર (District Transfer) કરાયેલા પોલીસ કર્મચારીઓમાં કેટલાંક તો ગુનેગારો અને લૂંટારૂઓને શરમાવે તેવા છે. બદલીના હુકમમાં ક્યાંક 'સૂકા ભેગું લીલું બળ્યું' હોય તેવો પણ ઘાટ સર્જાયો છે.
સૌરાષ્ટ્રના રાજકીય મહિલા આગેવાને વહીવટદારને બચાવ્યો ?
એક ડઝનથી પણ વધુ કૉન્સ્ટેબલ, હેડ કૉન્સ્ટેબલ અને ASI ની જિલ્લા બદલીઓ થતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બદલીઓની યાદીમાં કેટલાંક પોલીસવાળાને કેમ બદલવામાં આવ્યા તે જ સમજાતું નથી, એટલે કે બદલીમાં કાચું કપાયું હોવાની વાતો થઈ રહી છે. તો ક્યાંક ચોક્કસ સમાજની સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નમતું જોખ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પશ્ચિમ અમદાવાદ (West Ahmedabad) ના ત્રણથી ચાર પોલીસ સ્ટેશનનો વહીવટ એક જ પોલીસ કર્મચારી સમાજના નામે કરી રહ્યો છે અને આ જગજાહેર છે. બદલીઓની યાદીમાં આ વહીવટદારનું નામ સામેલ હતું, પરંતુ તેમના સમાજના એક રાજકીય મહિલા આગેવાને ગાંધીનગર પોલીસ ભવનમાં પોતાનું જોર બતાવતા વહીવટદારનું નામ જિલ્લા ટ્રાન્સફરની યાદીમાંથી હટાવી દેવાયું હોવાની વાત ચર્ચામાં છે.
બદલીની યાદી કોણે લીક કરી ?
અમદાવાદમાં Law & Order ની સ્થિતિ નાજૂક હાલતમાં આવી જતાં રાજ્ય પોલીસ વડા (HoPF Gujarat) એ આકરા નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. તોડપાણી અને દારૂ-જુગારની પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા બદમાશ પોલીસવાળાઓને કડક સંદેશો આપવા માટે જિલ્લા ટ્રાન્સફરનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા ટ્રાન્સફરની ચાલી રહેલી ફાઈલની માહિતી પોલીસ ભવનમાંથી કોણે લીક કરી તેની ચર્ચા પોલીસ બેડામાં ઊઠી છે. કારણ કે, બદલી પામેલા પોલીસવાળાઓ પૈકી કેટલાંકે તેમની ટ્રાન્સફર અટકાવવા બે-ચાર દિવસથી પ્રયત્નો શરૂ કરી દીધા હતા. કેટલાંક પોલીસવાળા તેમાં સફળ રહ્યાં છે તે તો મોટા સાહેબ જાણે. અધિક પોલીસ મહાનિર્દેશક ખુરશીદ અહેમદ (Khursheed Ahmed) ની સહીથી મંગળવારે 13 પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલીના હુકમ જારી થયા. જ્યારે, અમદાવાદ શહેર પોલીસ દળમાં પણ મંગળવારે કેટલાક પોલીસ કર્મચારીની આંતરિક બદલીઓ કરવામાં આવી છે, જેમાં જિલ્લા ટ્રાન્સફર થયેલા વિવાદિત પોલીસ કર્મચારીઓના પણ નામ યાદીમાં છે.
દારૂ ભરેલી ગાડીઓ લૂંટતી ગેંગના પોલીસવાળાઓની પણ બદલી
અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દળમાં પોલીસના વેશમાં કેટલાંક ગુનેગારો ફરજ બજાવી રહ્યાં છે. અન્ય રાજ્યોમાંથી ઘૂસાડવામાં આવતા વિદેશી દારૂને લૂંટી લેવાની તેમજ તોડ કર્યાની અનેક ઘટનાઓ છેલ્લાં એકાદ વર્ષમાં બની છે. ગત જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં સરખેજ પોલીસ મથક (Sarkhej Police Station) ની હદમાં રિંગ રોડ પર દારૂ ભરેલા વાહને સર્જેલા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માત પાછળ K Company તેમજ અન્ય સ્થળે ફરજ બજાવતા ગુનાહિત માનસિકતા ધરાવતા પોલીસવાળા અને ખાનગી શખ્સો કાંડમાં સામેલ હોવાની ભારે ચર્ચાઓ ઊઠી હતી.જો કે, આ મામલામાં અમદાવાદ પોલીસને કોઈ કસૂરવાર મળ્યો ન હતો. ઘટનાના બે-ત્રણ સપ્તાહ બાદ ફરીથી બદમાશ પોલીસની ટોળકી સક્રિય થઈ ગઈ હતી. સવા મહિના અગાઉ ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન (Adalaj Police Station) ની હદમાં દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરી અમદાવાદ પોલીસની ટોળકીએ સાડા ત્રણ લાખ રૂપિયાનો IMFL લૂંટી લીધો હોવાની એક વાત સામે આવી છે. બદલી કરાયેલા પોલીસવાળાઓમાં કેટલાંક લૂંટારૂ તો કેટલાંક પોતે જ વિદેશી દારૂની ખેપ મારતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભ્રષ્ટાચાર વકર્યો, RTI ની માહિતી માટે લાંચ લેવાનો પ્રથમ કિસ્સો