ઘરફોડ ચોરી કરી રિક્ષામાં માલસામાન વેચવા જતાં ત્રણ પકડાયા
- ઘરફોડ ચોરી કરી રિક્ષામાં માલસામાન વેચવા જતાં ત્રણ પકડાયા
- ગ્રામ્ય પોલીસે ૧.૩૨ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કિફાયતનગરના એક બંધ મકાનમાં અઠવાડીયા અગાઉ ત્રણ જણાએ આવી ઘરમાંથી રૂપિયા ૧૨,૫૦૦નો સામાન ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. દરમિયાન ગ્રામ્ય પોલીસે ગુરૂવારે બાતમીને આધારે રિક્ષામાં સમાન વેચવા જઇ રહેલા ત્રણેય જણાને આરટીઓ નજીકથી ઝડપી લીધા હતા. ત્યારબાદ પુછપરછ દરમિયાન ત્રણેય કિફાયતનગરમાં ચોરી કર્યાની કબુલાત કર્યા બાદ પોલીસે અંદાજે રૂપિયા ૧.૩૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર. હેરભા તથા તેમની ટીમના જણાવ્યા મુજબ સાત દિવસ અગાઉ કિફાયતનગરની કેનાલ નજીક આવેલા મૈયુદ્દીન દિવાનના બંધ મકાનના પાછળના ભાગેથી આવેલા અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ગેસની સગડી, ઇલેકટ્રીક ચુલો, હોમ થિયેટર, ઘડીયાળ તથા તાંબા-પિત્તળના વાસણોની ચોરી કરી લઇ ગયા હતા. જેથી મૈયુદ્દીન દિવાને તત્કાલિન સમયે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તો બીજી તરફ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે ત્રણ જણા રિક્ષામાં વાસણો અને ઘરવખરી ભરીને વેચવા માટે આરટીઓ તરફ આવી રહ્યા છે. તે આધારે પોલીસે વોંચ ગોઠવીને રિક્ષા નંબર જીજે.૨૭.ટી.બી.૪૬૪૨ને ઉભી રખાવી હતી. ત્યારબાદ પુછપરછ કરતા ત્રણેય પોતાના નામ મોહમદ સિરાજ મોહમદહુસૈન ફકીર, સમદમીયા ઉર્ફે લાલા મુસ્તુફામીયા બાબુમીયા શેખ અને આમીન શબ્બીરભાઇ મેમણ હોવાનું કબુલ્યુ હતુ. ત્યારબાદ રિક્ષામાં તપાસ કરાતા પ્લાસ્ટીકના કોથળામાં તેમજ એક કાપડના પોટલામાં ભરેલ શંકાસ્પદ સામાન અંગે પુછપરછ કરતા ત્રણેય જણા ભાંગી પડયા હતા.
ત્યારબાદ આ ત્રણેય જણાએ કિફાયતનગરમાંથી ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરતા ગ્રામ્ય પોલીસે તેમની અટકાત કરી રિક્ષા સહિત અંદાજે રૂપિયા ૧.૩૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો- હિંમતનગર: ખાડીયામાં પૈરાણિક મંદિરની દિવાલને અડીને બનાવી દીધું શૌચાલય