ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે વિશ્વ પુસ્તક દિવસ , જૂનાગઢમાં આવેલી આ કોલેજ ધરાવે છે હેરિટેઝ લાયબ્રેરી

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ    55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ આજે વિશ્વ પુસ્તક દિવસ છે, અને આજના આ મહત્વપૂર્ણ દિવસે વાત કરવી છે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હેરિટેજ લાયબ્રેરીની. આ લાઈબ્રેરીમાં 55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ , જેમાંથી ઘણા પુસ્તકો...
03:38 PM Apr 23, 2023 IST | Vishal Dave
અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ    55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ આજે વિશ્વ પુસ્તક દિવસ છે, અને આજના આ મહત્વપૂર્ણ દિવસે વાત કરવી છે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હેરિટેજ લાયબ્રેરીની. આ લાઈબ્રેરીમાં 55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ , જેમાંથી ઘણા પુસ્તકો...

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 

 

55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ

આજે વિશ્વ પુસ્તક દિવસ છે, અને આજના આ મહત્વપૂર્ણ દિવસે વાત કરવી છે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હેરિટેજ લાયબ્રેરીની. આ લાઈબ્રેરીમાં 55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ , જેમાંથી ઘણા પુસ્તકો તો દુર્લભ છે. જૂનવાણી કલાત્મક કબાટમાં અતિદુર્લભ સુવર્ણથી મઢેલા પુસ્તકો જોવા મળે છે. અહીં માસ્ટર ડીગ્રી, સંશોધનના વિષયો માટે અમુલ્ય પુસ્તકો પણ જોવા મળે છે..અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી પુસ્તકો અને સાહિત્ય પણ. વિશ્વભરમાં યુનેસ્કો અને અન્ય સંસ્થાઓ દ્વારા લેખકો તથા પુસ્તકોનું સન્માન કરવા, વાંચનની કળાને પ્રોત્સાહન આપવા વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી કોલેજમાં ભરપુર સુવિધા સાથે નજીવી ફી માં શિક્ષણ ઉપલબ્ધ છે, સાથોસાથ કોલેજની લાઈબ્રેરી પણ એટલી જ સમૃધ્ધ છે.

કોલેજનું બિલ્ડીંગ હેરીટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરાયું છે

જૂનાગઢ શહેરમાં આવેલી ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની જો વાત કરીએ તો કોલેજનું બિલ્ડીંગ હેરીટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરાયું છે, બહાઉદ્દીન કોલેજ બિલ્ડીંગ સવાસો વર્ષ જૂનું છે, અંગ્રેજ સરકારના એજન્ટ એ.કે. હન્ટરે તેનું ખાતમુહુર્ત કર્યું હતું અને આ ગુજરાતની જૂનામાં જૂની કોલેજ છે કે જેનું ખાતમુહુર્ત થયા બાદ અત્યાર સુધી તેનો કોલેજ તરીકે જ ઉપયોગ થઈ રહ્યો છે. બહાઉદ્દીન કોલેજનો ગૌરવવંતો ઈતિહાસ છે, જૂનાગઢ આઝાદ થતાં સરદાર વલ્લભભાઈ પટેલે આ જ કોલેજના મેદાનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, મનોજ ખંઢેરીયા જેવા સાહિત્યકારો અને કવિઓ ઉપરાંત અનેક ઉધોગપતિ, વકીલો અને ધારાસભ્યો પણ આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે, જ્યારે આ બિલ્ડીંગનું નિર્માણ થયું ત્યારે તેનો સેન્ટ્રલ હોલ તે સમયે એશિયામાં એકમાત્ર એવો સેન્ટ્રલ હોલ હતો કે કોઈપણ પીલર વગર સૌથી વધુ ઉંચાઈ ધરાવતો હતો, બેનમુન કલાકૃતિનો નમુનો કહી શકાય તેવી બહાઉદ્દીન કોલેજ બિલ્ડીંગને હેરીટેજ બિલ્ડીંગ તરીકે પણ જાહેર કરાઈ છે. આઝાદી પહેલાં માત્ર શિક્ષણના હેતુ થી જે ભવ્ય ઈમારતનું નિર્માણ થયું ત્યારે જૂનાગઢમાં નવાબનું શાસન હતું, નવાબના સાળા અને વજીર બહાઉદ્દીનભાઈએ આ કોલેજનું માત્ર શિક્ષણના હેતુથી નિર્માણ કરાવ્યું હતું અને તે સમયે અંગ્રેજો આ કોલેજનું સંચાલન કરતા હતા.

 

સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું જરૂરી સાહિત્ય પણ ઉપલબ્ધ 

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની લાઈબ્રેરી પણ હેરિટેજ લાઈબ્રેરી છે, કોલેજની લાઈબ્રેરીમાં 55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાઈબ્રેરીમાં અનેકવિધ દુર્લભ પુસ્તકો છે, જૂનવાણી કલાત્મક કબાટમાં અતિદુર્લભ કહી શકાય તેવા સુવર્ણથી મઢેલા ટાઈટલ ધરાવતાં ઐતિહાસિક પુસ્તકો અને હસ્તલીખીત પ્રતો છે, માસ્ટર ડીગ્રી અને સંશોધનના વિષયો પર અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે આ અમુલ્ય પુસ્તકો એક દુર્લભ ખજાના સમાન છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી એવું તમામ સાહિત્ય અહીંની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે. બહાઉદ્દીન કોલેજમાં ભણાવાતાં વિષયોની વાત કરીએ તો... બહાઉદ્દીન કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટના 9 વિષયો છે જેમાં 4 ભાષા - ગુજરાતી / હિન્દી / સંસ્કૃત / અંગ્રેજી તથા 5 શાસ્ત્ર - તત્વજ્ઞાન / મનોવિજ્ઞાન / ઈતિહાસ / સમાજશાસ્ત્ર / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર નો સમાવેશ થાય છે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના પાંચ વિષયો છે જેમાં ગુજરાતી / હિન્દી / સંસ્કૃત / તત્વજ્ઞાન / અર્થશાસ્ત્ર નો સમાવેશ થાય છે.

 

ઈતિહાસ અને સંશોધનો પરના પુસ્તકોનો ખજાનો 

આમ ભાષા અને શાસ્ત્રના જે વિષયો અહીં ભણાવવામાં આવે છે તેના પુસ્તકો તો ઉપલબ્ધ છે જ તે ઉપરાંત ઈતિહાસ અને સંશોધનો પરના પુસ્તકોનો અહીં ખજાનો છે અને તેથી જ વિદ્યાર્થીઓ બહાઉદ્દીન કોલેજમાં ભણવાનું પસંદ કરે છે અને દર વર્ષે અહીં એડમિશન માટે પડાપડી થતી હોય છે, સમૃધ્ધ લાઈબ્રેરી બહાઉદ્દીન કોલેજની શાન છે કોલેજનું એક નજરાણું છે કે જ્યાં ન માત્ર વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો પરંતુ એક ઐતિહાસિક ધરોહરની જાળવણી પણ થઈ રહી છે.

Tags :
Collegeheritage libraryJunagadhWorld Book Day
Next Article