UCC નવો કાયદો નહીં પરંતુ બંધારણની મૂળ ભાવનાનો અર્ક છે: હર્ષભાઇ સંઘવી
- બંધારણની મુળ ભાવના કાયદા સ્વરૂપે મૂર્તિમંત થઇ રહી છે
- આદિવાસીઓ માટે ખાસ પ્રાવધાન રાખવાની પણ બાંહેધરી આપી
- કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને કોઇ સીરિયસ લેતું નથી તમે પણ ન લો
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા UCC ની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. યુસીસી કઇ રીતે લાગુ કરી શકાય કે જેથી કોઇની ભાવનાને નુકસાન ન પહોંચે અને સમગ્ર રાજ્યમાં કાયદો લાગુ કરી શકાય અને તેના કેવા નિયમો હોવા જોઇએ તે અંગે સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના વડા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સામાજિક તાણાવાણાને સમજવા માટે સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષેશ ઠાકર (પૂર્વ ચાન્સેલર), આર.સી કોડેકર (એડ્વોકેટ) અને સી.એલ મીણા (પૂર્વ આઇએએસ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આપી પ્રતિક્રિયા
યુસીસી અંગે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, UCC કોઇ નવી વાત નથી આ સંવિધાનની મુળ ભાવનાનો જ અંશ છે. જ્યારે સમગ્ર દેશ એક છે તો પછી કાયદો પણ એક જ હોવો જોઇએ. દેશમાં સમરસતા અને સમાનતા સ્થાપિત કરશે. દેશના દરેક નાગરિકને એક સમાન હક મળે તે દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા યુસીસી અંગે એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રીએ એક સમિતીની રચના કરી છે. જેમાં સમિતીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઇ હશે. તેમની સાથે ચાર અન્ય સભ્યો પણ આ સમિતીમાં સેવા આપશે. જેમાં પૂર્વ IAS, પૂર્વ વીસી, વકીલ અને સામાજિક કાર્યકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મુખ્યમંત્રી દ્વારા સમિતી પાસે અપેક્ષા રાખી છે કે, આગામી 45 દિવસમાં રિપોર્ટ સરકાર સમક્ષ રજુ કરશે.
આ પણ વાંચો : Uniform Civil Code મુદ્દે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ જાહેરાત
આદિવાસીઓના કાયદાનું પણ ધ્યાન રાખવામાં આવશે
ગુજરાત ફર્સ્ટે જ્યારે આદિવાસીઓનો પણ આ કાયદામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ તેવું પુછતા હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, આદિવાસીઓની ઓળખ,સભ્યતા, સંસ્કારને કોઇ પણ પ્રકારે નુકસાન ન પહોંચે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીની જ ઉતરાખંડ સરકારે પુરૂ પાડ્યું છે. આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આદિવાસી સમાજના તમામ રિતિ રિવાજ અને કાયદાઓને નુકસાન ન પહોંચે તે પ્રકારે યુસીસીને અમે લાગુ કરીશું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે પોતાના ભાષણમાં જણાવ્યું કે, ઉતરાખંડ સરકારે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને અન્ય રાજ્યોમાં પણ અમે જ્યારે યુસીસી લાગુ કરીશું ત્યારે આ વિષયનું જરૂર ધ્યાન રાખીશું. આદિવાસી સમાજના તમામ કાયદાઓ પણ જળવાઇ રહે અને યુસીસી પણ લાગુ થઇ જાય તે માટે અમે કટિબદ્ધ છીએ.
કોંગ્રેસને હવે કોઇ સીરિયલ લેતું નથી
કોંગ્રેસનો દાવો છે કે, આ સમિતીની રચના કરવામાં આવી તેમાં એક પણ સભ્ય કોંગ્રેસી નથી તેના જવાબમાં હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, છોડો યાર તમે તો યુવાન છો અને કોંગ્રેસની વાતોને સીરિયસ લેવા લાગ્યા છો. વર્ષોથી કોંગ્રેસ એક જ રટણ કરે છે. તમામ નાગરિકોને એક સમાન હક્ક મળે તેમાં કોંગ્રેસને શું સમસ્યા નડી રહી છે. સરકાર અને લોક હવે કોંગ્રેસને સીરિયસલી નથી લઇ રહ્યા.
આ પણ વાંચો : ગુજરાતમાં લાગુ થશે UCC, સરકાર કરશે કમિટીની જાહેરાત