Uttarayan 2026: ઉત્તરાયણ પર ભુજના પ્રસિદ્ધ આશાપુરા માતાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ
- ઉત્તરાયણ પર્વને લઈને ભુજ શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થા જોવા મળ્યો
- ભુજના પ્રસિદ્ધ આશાપુરા માતાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી
- ઉત્તરાયણના દિવસે ખાસ પૂજા અને આરતીનું આયોજન
- દર વર્ષે ઉત્તરાયણના દિવસે આશાપુરા માતાજી મંદિરે ઉમટે છે ભીડ
Uttarayan 2026: ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર જેને મકરસંક્રાંતિ (MakarSankranti) તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે આ તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ તહેવાર આસ્થા, ઉર્જા અને ઉજાસથી ભરેલો દિવસ હોય છે આ તહેવાર પર ધાર્મિક પ્રવૃતિનું પણ ખાસ મહત્વ રહેલું છે ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને ભુજ શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થા જોવા મળી રહી છે. ઉત્તરાયણના પાવન અવસરે ભુજના પ્રસિદ્ધ આશાપુરા માતાજી મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે પહોંચ્યા હતા.
આશાપુરા માતાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી
ભક્તોએ ઉત્તરાયણ પર્વની શુભ શરૂઆત માટે આશાપુરા માતાજીની પૂજા-અર્ચના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારની કલ્યાણની પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં માતાજીના જયકારો અને ભક્તિભર્યા માહોલ વચ્ચે વાતાવરણ ભાવભિનું બન્યું હતું. ઘણા ભક્તો પરિવાર સાથે આવી માતાજીને ચૂંદડી, પ્રસાદ અને નૈવેદ્ય અર્પણ કરતા નજરે પડ્યા હતા.
ઉત્તરાયણના દિવસે ખાસ પૂજા અને આરતીનું આયોજન
ઉત્તરાયણના દિવસે ખાસ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ ભક્તોને સુવ્યવસ્થિત રીતે દર્શન મળી રહે તે માટે કતારો બનાવવામાં આવી હતી.
દર વર્ષે ઉત્તરાયણના દિવસે આશાપુરા માતાજી મંદિરે ઉમટે છે ભીડ
ઉલ્લેખનીય છે કે ઉતરાયણ માત્ર પતંગોત્સવ જ નહીં પરંતુ આસ્થા અને પરંપરાનો પર્વ પણ છે. ભુજના આશાપુરા માતાજી મંદિર ખાતે દર વર્ષે ઉતરાયણના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ વર્ષે પણ ભક્તોની ભારે ભીડ સાથે ઉતરાયણ પર્વ ભક્તિભાવથી ઉજવાતું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: Uttarayan 2026: પતંગ રસિકો આનંદો! પવનની ગતિ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી!


