VADODARA : હોળી-ધૂળેટી પર્વમાં નદીઓ-તળાવોમાં ન્હાવા જવા પર પ્રતિબંધ
VADODARA : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તા. ૧૩/૦૩/૨૦૨૫ ના રોજ હોળી અને તા. ૧૪/૦૩/૨૦૨૫ ના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે, ત્યારે વડોદરા શહેરમાં કુદરતી નદી, કૃત્રિમ તળાવો, નહેર, જળાશયોમાં પાણીમાં ન્હાવા જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અગાઉ ભૂતકાળમાં બનેલી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને દુર્ઘટનાઓને ટાળવા માટે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. (IMPORTANT INSTRUCTIONS FOR HOLI CELEBRATION - VADODARA)
ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર
હુકમ અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલી કુદરતી નદી, કૃત્રિમ તળાવો, નહેર, જળાશયોમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૧૩/૦૩/૨૦૨૫ ના કલાક ૦૦/૦૦ થી તા. ૧૪/૦૩/૨૦૨૫ ના કલાક ૨૪/૦૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જાહેર સુલેહ શાંતીનો ભંગ થવાની શકયતા
આગામી તા. ૧૩/૦૩/૨૦૨૫ ના રોજ હોળી અને તા. ૧૪/૦૩/૨૦૨૫ ના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી/ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. આ તહેવારોની ઉજવણી દરમિયાન જાહેર જગ્યાઓએ આવતા-જતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા-જતા લોકો પાસેથી હોળી-ધૂળેટીના પૈસા (ગોઠ) ઉધરાવવા તેઓ ઉપર રંગ, રંગ મિશ્રિત પાણી, કાદવ અથવા તૈલી વસ્તુઓ અથવા આવી બીજી કોઇ વસ્તુઓ ફેંકવાની શકયતા છે. આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ ત્રાસ અથવા ઈજા થવાની અથવા જાહેર સુલેહ શાંતીનો ભંગ થવાની શકયતા નકારી શકાય નહીં. જેથી શહેર વિસ્તારમાં આવા કૃત્યો પર પોલીસ કમિશનરે પ્રતિબંધ લગાવ્યો છે.
હોળી ધૂળેટીના પૈસા (ગોઠ) ઉધરાવવા નહીં
આ જાહેરનામા અંતર્ગત વડોદરા શહેરના પોલીસ કમિશ્નરની હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૧૧/૦૩/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધી (બંન્ને દિવસો સહિત) કોઈપણ વ્યકિતઓ જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો/વાહનો ઉપર અથવા વાહનોમાં જતા આવતા શખ્સો ઉપર કાદવ, કીચડ, રંગ, કેમીકલ અથવા રંગ મિશ્રિત કરેલ પાણી અથવા તૈલી અથવા આવી બીજી કોઇ વસ્તુઓ નાખવી કે નંખાવવી નહીં અથવા હોળી ધૂળેટીના પૈસા (ગોઠ) ઉધરાવવા નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચો --- VADODARA : પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ્ય સાથેના વૈદિક હોળી અભિયાનને 7 વર્ષ પૂર્ણ