VADODARA : એક્સપ્રેસ હાઇ-વેના મહી બ્રિજ પર રીપેરીંગ કાર્યને પગલે ટ્રાફિક જામ
VADODARA : વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇ-વે (VADODARA-AHMEDABAD EXPRESS WAY) પર આવતા મહી બ્રિજ પર રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મહી બ્રિજ પર એક લેન જેટલા રસ્તામાંથી વાહનોએ પાસ થવું પડી રહ્યું છે. જેથી આ સ્થળ પાસે લાંબો ટ્રાફીક જામ (TRAFFIC JAM) સર્જાય છે, અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામ વધુ થતા વાસદ થઇને દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે (DELHI-MUMBAI EXPRESS WAY) પર વાહનો ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. જેના ખર્ચનું ભારણ લોકો વગરવાંકે ભોગવી રહ્યા છે.
અનેક જગ્યાએ ખાડા પડતા રસ્તા ઉબડ-ખાબડ બન્યા
વડોદરા તથા આપસાપના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા બાદ અનેક જગ્યાઓએ રસ્તાની હાલત બદતર બની હતી. તે પૈકી એક્સપ્રેસ હાઇવે પર પણ અનેક જગ્યાએ ખાડા પડતા રસ્તા ઉબડ-ખાબડ બન્યા હતા. જેને પગલે વાહનની ગતિ ધીમી કરીને પસાર થવું પડે તેવી સ્થિતી હતી. આ અંગેના ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. બાદમાં તંત્રની આંખો ઉઘડતા સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવે પર વચ્ચે આવતા મહી બ્રિજ પરનો રસ્તો એક છેડેથી બીજા છેડે સુધી ખરાબ થઇ જતા, ભારે મુશ્કેલી સર્જાતી હતી. જેનું મોડે મોડે રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
વાહનોને દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરવા પડે તેવી સ્થિતી
આ રીપેરીંગ કાર્યને પગલે હવે મહી બ્રિજ પર એક માત્ર લેન પરથી વાહનો પસાર થઇ શકે તેમ છે. જેથી અહિંયા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. જેથી કેટલીક વખત વાહનોને દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરવા પડે તેવી સ્થિતી સર્જાય છે. જેમાં ટ્રાફિકથી બચવા બીજા એક્સપ્રેસ વે પર વાહનો તો જતા રહે છે. જેનું ભારણ વાહનચાલકોએ વધારાનું ભોગવવું પડી રહ્યું છે.
આગામી 7 ડિસે. સુધી આ રીપેરીંગ કાર્ય ચાલી શકે છે
સુત્રોના જણાવ્યા અનુસાર, એક્સપ્રેસ હાઇવે ઓથોરીટી દ્વારા વડોદરાની દુમાડ ચોકડીથી જ વાહનોને દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરવામાં આવે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી વાહનો વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પરના ટ્રાફિક જામથી બચી શકે. સુત્રોએ વધુમાં ઉમેર્યું કે, આગામી 7 ડિસે. સુધી આ રીપેરીંગ કાર્ય ચાલી શકે છે. જેથી લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખીને કયા એક્સપ્રેસ વે પર ક્યાંથી એન્ટ્રી લેવી તે પહેલાથી જ નક્કી કરી લેવું જોઇએ.
આ પણ વાંચો -- શિયાળામાં ચોક્કસ ગરમ કપડા અંગે શાળાઓને દબાણ ન કરવા DEO નો આદેશ


