VADODARA : આજવા અને પ્રતાતપુરા ડેમના દરવાજા ખોલાયા, જાણો કારણ
VADODARA : આજે સવારે વડોદરા (VADODARA) પાસે આવેલા આજવા ડેમ અને પ્રતાપપુરા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર થોડુંક ઉંચું આવી શકે તેવી સંભાવનાઓ છે. જો કે, પાલિકા તંત્ર દ્વારા લોકોને ગભરાવવાની જરૂર નથી, તેમ જણાવવામાં આવ્યું છે. સવારે 7 - 30 કલાકે માહિતી આપતા સમયે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 15 ફૂટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વરસાદે વિતેલા 24 કલાકથી વિરામ લીધો છે
વિતેલા દોઢ મહિના જેટલા સમયમાં વડોદરાવાસીઓએ ત્રણ વખત પૂરની પરિસ્થિતીનો સામનો કર્યો છે. લોકો માંડ હવે પૂરની પરિસ્થીતીમાંથી બહાર આવી રહ્યા છે, અને વરસાદે વિતેલા 24 કલાકથી વિરામ લીધો છે. ત્યારે હવે લોકોને વગર વિધ્ને નવરાત્રી ઉજવાય તેવી આશા રાખીને બેઠા છે. દરમિયાન આજે સવારે શહેર નજીકના મહત્વના જળાશયો ગણાતા આજવા સરોવર ડેમ અને પ્રતાપપુરા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આજવા સરોવર ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે આમ કરવામાં આવ્યું છે.
વિશ્વામિત્રી નદીનું જળસ્તર 15 ફૂટ નોંધવામાં આવ્યું
સવારે 7 - 30 કલાકે બંને ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાની માહિતી પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી છે. ડેમના દરવાજા ખોલતા સમયે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 15 ફૂટ નોંધવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને ડેમના દરવાજા ખુલવાથી વિશ્વામિત્રી નદીના જળસ્તર પર મોટી અસર જોવા નહીં મળે તેવો દાવો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
દરવાજા ખોલવાની જાણ થતા વડોદરાવાસીઓ એક તબક્કે તો ચિંતામાં મુકાય જ
અત્રે નોંધનીય છે કે, શહેરમાં પૂરની સ્થિતી સમયે બંને ડેમના દરવાજા બંધ કર્યાના 24 કલાક બાદ પાણી ઓસરવાનું શરૂ થયું હતું. જેને લઇને સ્થિતી કોઇ પણ કેમ ના હોય, આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા ખોલવાની જાણ થતા વડોદરાવાસીઓ એક તબક્કે તો ચિંતામાં મુકાય જ છે. પરંતુ આ વખતે ચિંતા કરવા જેવં કંંઇ નથી તેવું પાલિકા દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો -- Mahatma Gandhiji ની જન્મજયંતી નિમિત્તે પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું 'સ્વચ્છતા હી સેવા અભિયાન'