VADODARA : નવરચના સ્કુલ બાદ જાણીતી હોટલને બોમ્બ થ્રેટ ઇમેલ મળ્યો
VADODARA : તાજેતરમાં શહેરની જાણીતી નવરચના સ્કુલને બોમ્બ થ્રેટ (NAVRACHANA SCHOOL BOMB THREAT - VADODARA) નો ઇમેલ મળ્યો હતો. જેને પગલે શાળાએ રજા આપીને પોલીસની ટીમોના ધાડેધાડા ઉતરી આવ્યા હતા. જો કે, પોલીસની તપાસમાં કંઇ પણ વાંધાજનક મળી ના આવતા આખરે બીજા દિવસે શાળાનું કાર્ય રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ રેસીડેન્સી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (EXPRESS RESIDENCY HOTEL BOMB THREAT - VADODARA) મળી હતી. જે બાદ પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે કંઇ વાંધાજનક મળી ના આવતા આખરે તમામને રાહત થઇ હતી. આ ઇમેલ માત્ર ડર ફેલાવવા માટે મોકલવામાં આવતા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
શાળામાંથી કંઇ વાંધજનક મળી ના આવતા હાથકારો થયો
વડોદરાની જાણીતી નવરચના સ્કુલના પ્રિન્સિપાલને તાજેતરમાં અજાણ્યા આઇડી પરથી ઇમેલ મળ્યો હતો. જેમાં શાળાની પાઇપલાઇનમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ધમકી હતી. ધમકીને પગલે તે દિવસે શાળામાં રજા આપી દેવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વિવિધ બ્રાન્ચના અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. તપાસના અંતે શાળામાંથી કંઇ વાંધજનક મળી ના આવતા હાથકારો થયો હતો. અને બીજા દિવસે રાબેતામુજબ રીતે શાળાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.
રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ થઇ શકે છે
આ ઘટનાના બીજા દિવસે શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી જુની અને જાણીતી હોટલ એક્સપ્રેસ રેસીડેન્સીને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ મોકલવામાં આવ્યો હતો. રાત્રે 3 વાગ્યે આ ઇમેલ હોટલના આઇડી પર મોકલવામાં આવ્યો હતો. ઇમેલમાં જણાવ્યું હતું કે, હોટલના રૂમ અને પાઇપ લાઇનમાં આઇઇડી બોમ્બ મુક્યા છે. જે રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ થઇ શકે છે. તમે ગેસ્ટને જાણ કરી દો. આ ઇમેલ મેનેજરે સવારે 11 કલાકે જોયો હતો. ત્યાર બાદ તેઓએ તુરંત પોલીસને જાણ કરી હતી. જેને પગલે સ્થાનિક પોલીસ તથા વિવિધ બ્રાન્ચોના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને ખુણે ખુણે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે. તપાસના અંતે કંઇ વાંધાનજક મળી આવ્યું ન્હતું. તે બાદ પોલીસે ઇમેલ મોકલનારનું પગેરૂ શોધવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.
અસમંજસની લાગણી જોવા મળી
સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે રૂમે રૂમે જઇને તપાસ કરી હતી. દરમિયાન હોટલમાં ચેકઇન કરનાર ગેસ્ટનો ત્રણ કલાક જેટલો સમય ઉભા રાખવામાં આવ્યા હતા. જેને પગલે તેઓમાં પણ અસમંજસની લાગણી જોવા મળી હતી. જો કે, તપાસના અંતે કંઇ શંકાસ્પદ વસ્તુ ના મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો --- VADODARA : પરિણીતાના આપઘાત માટે જવાબદાર પતિ સહિતના સાસરીયાને સજાનું એલાન