VADODARA : MSU ના આર્કિટેક્ચર વિભાગમાં પ્રોફેસરની નિમણૂંક શંકાના દાયરામાં
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (MSU - VADODARA) ના આર્કિટેક્ચર વિભાગ (ARCHITECTURE DEPARTMENT, MSU - VADODARA) માં નિયમોનો ભંગ કરીને પાંચ પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણૂંક કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. યુનિ.ના પ્રોફેસર સતીષ પાઠક દ્વારા આ મામલો ઉજાગર કરવામાં આવ્યો છે. અને આ મામલે તપાસ કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે. જેને પગલે યુનિ. વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અગાઉ પણ પ્રો. પાઠક વીસી વિરૂદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી ચુક્યા છે.
વીસીની લાયકાત સામે તપાસ કરવા રજુઆત અગાઉ કરાઇ
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના વાઇસ ચાન્સેલર પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવ વિવાદીત છે. આ વાત હવે ભાગ્યેજ કોઇનાથી છુપી હશે. વીસીની લાયકાતને લઇને અનેક વખત સવાલો ઉઠવા પામ્યા છે. વીસીની લાયકાત સામે યુનિ.ના પ્રો. સતીષ પાઠક દ્વારા અગાઉ સીએમને રજુઆત કરીને તપાસ કરવા માંગ પણ કરી હતી. જે આજદિન સુધી ચાલી રહી હોવાનું સુત્રોનું જણાવવું છે. ત્યારે હવે વીસી સામે વધુ એક ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. યુનિ.ના આર્કિટેક્ચર વિભાગમાં તાજેતરમાં પાંચ પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણૂંક કરવામાં આવી છે.
નિમણૂંક યુજીસીના નિયમોને નેવે મુકીને કરવામાં આવી
આ નિમણૂંક વીસી દ્વારા તેમના મળતિયાઓને ફાયદો અપાવામાં માટે કરી હોવાનો આરોપ પ્રો. પાઠક દ્વારા મુકવામાં આવ્યો છે. હાલ વિભાગમાં માત્ર ઓનલાઇન લેક્ચરો જ લેવામાં આવી રહ્યા છે. જેની જવાબદારી પાંચ હંગામી પ્રોફેસરના શીરે છે. હંગામી પ્રોફેસરને ઘટાડીને પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણૂંક યુજીસીના નિયમોને નેવે મુકીને કરવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. હવે આ મામલે મુખ્યમંત્રીની કચેરી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
આ પણ વાંચો -- VADODARA : MSU ના VC અને રજીસ્ટ્રારની થ્રી લેયર સિક્યોરીટી ચર્ચામાં