VADODARA : ઉછીના આપેલા રૂ. 100 પરત માંગતા યુવક પર જીવલેણ હુમલો
VADODARA : વડોદરા (VADODARA) ના બિલ ચાપડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા યુવકની પરીક્ષા હોવાથી તે કોલેજમાં પેપર આપીને ઘરે આવ્યો હતો. બાદમાં નજીકમાં મિત્રોને મળવા ગયો હતો. ત્યાં તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ પાછળનું કારણ ઇજાગ્રસ્તે યુવકે હુમલાખોરને રૂ. 100 આપ્યા હતા. જે પરત માંગતા હુમલાખોરે પ્રથમ ગાળો આપી હતી. અને બાદમાં પોતાના ઘરેથી હથિયાર લાવીને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
હથિયાર અટલાદરા પોલીસ મથકમાં આપ્યું
વડોદરાના બિલ ચાપડ રોડ વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે. ગતરાત્રે વિસ્તારમાં રહેતા યુવક પર પરિચિત યુવકે હુમલો કરી દીધો હતો. માત્ર રૂ. 100 પરત માંગવાની બાબતમાં આ હુમલો કર્યો હોવાનું હાલ તબક્કે સામે આવવા પામ્યું છે. ઇજાગ્રસ્તની માતાએ હથિયાર અટલાદરા પોલીસ મથકમાં આપ્યું હોવાનું મીડિયાને જણાવ્યું હતું.
અમને ન્યાય મળવો જોઇએ.
ઇજાગ્રસ્ત યુવકની માતા ફાલ્ગુનીબેન પંચાલએ જણાવ્યું કે, મારો દિકરો તરંગ પંચાલ ભણે છે. કોલેજમાં પરીક્ષા આપીને તે બહાર નીકળ્યો હતો. ઘરની સામે તે મિત્રો સાથે બેઠો હતો. ત્યાં યશ નામનો એક છોકરો આવ્યો, પહેલા તેણે મારામારી કરી, અને ત્યાર બાદ તેણે તિક્ષ્ણ હથિયાર વડે મારા દિકરા પર હુમલો કરી દીધો હતો. મારા દિકરાને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું પોલીસવાળાને વિનંતી કરું છું કે, તેને છોડશો નહીં. અમને ન્યાય મળવો જોઇએ.
તું પૈસા કેમ માંગે છે
વધુમાં જણાવ્યું કે, બિલ ચાપડ રોડ પરની ફોર્ચ્યુન સ્કાય ડાઇન સોસાયટીની બાજુમાં ઘટેલી ઘટના છે. રૂ. 100 ઉધાર તેણે લીધા હતા. તે પૈસા મારા પુત્રએ પરત માંગ્યા હતા. જેથી યશએ ઉશ્કેરાઇને મારા પુત્રને કહ્યું કે, તું પૈસા કેમ માંગે છે. ગમે તેમ બોલીને ઝઘડો કર્યો હતો. અમે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. સાથે જ અમે હુમલામાં વપરાયેલું હથિયાર પોલીસ જવાનોના હાથમાં આપ્યું છે. હવે અમે મારા સંતાનને ન્યાય મળે તેવું જ ઇચ્છી રહ્યા છીએ.
આ પણ વાંચો -- VADODARA : હાઇમાસ્ટ નીચે ચગદાતા યુવકના અવશેષો એકત્ર કરવા પડ્યા