VADODARA : માતાની કિડની મળતા પુત્રને જીવનદાન, સારવારનો ખર્ચ શૂન્ય
VADODARA : વડોદરા જિલ્લાના રામપુરા (VADODARA RURAL - RAMPURA) ગામમાં રહેતા લાભાર્થી ૩૮ વર્ષીય અલ્પેશભાઇ પઢિયાર વર્ષ ૨૦૨૦ માં કોરોનાકાળ દરમિયાન કિડનીની બીમારીથી પીડાતા હતા. આ સમય દરમ્યાન તેઓને થાક લાગવો, ભૂખ ઓછી લગાવી તેમજ બ્લડ પ્રેશરની તકલીફ થવા લાગી હતી. ત્યારબાદ તેઓ પાદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં પોતાની બીમારીની તપાસ કરાવવા માટે ગયા હતા. ખાનગી હોસ્પિટલના તબીબે માર્ગદર્શન આપ્યું હતું કે, અલ્પેશભાઈ તમને કિડનીને લગતી બીમારી છે.
તું ચિંતા ના કરીશ
તબીબોએ આ માટે તેમને ડાયાલીસીસ કરવાની સલાહ આપી હતી સાથે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ (KIDNEY TRANSPLANT) કરવાની સલાહ આપી હતી. મને ડર લાગવા લાગેલો કે હવે મારૂ શું થશે હું જીવીશ કે મરી જઈશ. ત્યારે મારા મમ્મી પપ્પાએ મને કીધું હતું કે તું ચિંતા ના કરીશ.અમે લોકો તને અમારી કિડની આપીશું. ત્યારબાદ મારા મમ્મીએ મને તેમની કિડની આપીને એક નવું જીવન આપ્યું હતું.
અમારા માટે આટલા બધા રૂપિયા કાઢવા એ અઘરી વાત હતી
લાભાર્થી અલ્પેશભાઈ પઢિયારએ સરકારની યોજનાઓની પ્રશંસા કરતા જણાવે છે કે, મને વર્ષ ૨૦૨૦ માં કોરોનાકાળ દરમિયાન કિડનીની બીમારી થઈ હતી . ત્યારે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયો હતો. જેમાં મને જાણવા મળ્યું હતું કે મારે તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે અને તેના માટે લાખો રૂપિયાનો ખર્ચ કહ્યો હતો. ત્યારબાદ મારા પરિવારના લોકોએ મને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાંથી મને આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યું. એ પછી હું જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો ત્યારે ત્યાંના ડોકટરે મને સારવાર માટેનો ખર્ચ રૂપિયા ૧૧ લાખ થી વધુ થશે એમ કહેતાં હું અને મારો પરિવાર ખુબ જ ચિંતામાં પડી ગયા હતા કેમ કે અમારા માટે આટલા બધા રૂપિયા કાઢવા એ અઘરી વાત હતી, ત્યાર બાદ અમે ડોકટરને અમારી પાસે આયુષ્ય માન કાર્ડ (AYUSHMAN CARD) હોવાની જાણકારી આપી ત્યારે તેઓએ કહ્યું કે, આયુષ્યમાન કાર્ડના આધારે સારવાર વિના મૂલ્યે થઈ જશે.
અત્યાર સુધી અમારા ઘરમાં આવી કોઈને બિમારી થઈ નથી
લાભાર્થીના માતા સવિતાબેન પઢિયાર જણાવે છે કે, મારે ત્રણ સંતાન છે જેમાં અલ્પેશએ મારો બીજા નંબરનો દિકરો છે. જયારે અમને ખબર પડી કે અમારા દિકરાને કિડનીની બિમારી છે અત્યાર સુધી અમારા ઘરમાં આવી કોઈને બિમારી થઈ નથી અને અલ્પેશને આ પહેલીવાર આવી બિમારી થઈ ગઈ હતી ત્યારે અલ્પેશના પપ્પા કહેતા હતા કે મેં મારી કિડની મારા દિકરાને આપું છું.ત્યારે મેં કીધું મેં મારી કિડની મારા દિકરાને આપીશ અને તેને એક નવું જીવન આપીશ ત્યારબાદ અમને હાશકારો થયો હતો. વધુમાં સવિતાબેન કહે છે કે, આયુષ્માન કાર્ડ ન હોત તો આ સારવાર શક્ય ન હતી તેમજ કીડની ટ્રા્સપ્લાન્ટથી લઈને દવાઓ સુધી બધી જ સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે જે માટે અમે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરીએ છે.
આ જ સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં આર્થિક રીતે ખુબજ ખર્ચાળ રહે છે
અલ્પેશભાઈ ઉમેરે છે કે આ યોજના થકી માસિક દવાઓ તેમજ આવવા જવાનું ભાડું સુદ્ધાં સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ઓગસ્ટ ૨૦૨૪ માં કીડની ટ્રા્સપ્લાન્ટનું ઓપરેશન કરાવ્યું હતું જે વિનામૂલ્યે થયું હતું પરંતુ આ જ સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં આર્થિક રીતે ખુબજ ખર્ચાળ રહે છે. જેથી આ યોજના અંતર્ગત મારી સારવાર એકપણ રૂપિયાના ખર્ચ વગર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી જે બદલ હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું.
આ પણ વાંચો -- VADODARA : પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટ્યો અને આવક વધી, જંગલ મોડેલથી લાભ